લંડનઃ ભારત સરકારના વર્ષ 2026-27 માટેના કેન્દ્રીય બજેટમાં નોન રેસિડેન્ટ ઇન્ડિયન્સને અસર કરતાં શ્રેણીબદ્ધ પગલાંમાં પ્રોપર્ટી ટ્રાન્ઝેક્શનની પ્રક્રિયાને વધુ સરળ બનાવવામાં આવી છે. ભારતના કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમને એનઆરઆઇ પ્રોપર્ટી સોદાઓમાં જરૂરી ટેક્સ ડિડક્શન એન્ડ કલેક્શન એકાઉન્ટ નંબર (ટેન)ની જોગવાઇને હટાવી લીધી છે. નોન રેસિડેન્ટ ઇન્ડિયન્સ પાસેથી પ્રોપર્ટીની ખરીદી કરતા ભારતીય ખરીદદારો માટે લાગુ થતો આ નિયમ નાબૂદ કરાયો છે. જે અંતર્ગત ભારતમાં રહેતા ખરીદદારો અથવા તો હિન્દુ અવિભાજિત પરિવારોએ ટીડીએસ ડિપોઝિટ અને ડિડક્શન માટે ટેન મેળવવો જરૂરી રહેશે નહીં.
તેના સ્થાને ટીડીએસ ડિડક્શન અથવા ડિપોઝિટ ખરીદદારના પરમેનેન્ટ એકાઉન્ટ નંબર (પાન)ના માધ્યમથી કરાશે. આ પ્રક્રિયા ભારતમાં રહેતા બે ખરીદદારો વચ્ચે થતા વ્યવહાર જેવી જ રહેશે. આ બદલાવનો અમલ 1 ઓક્ટોબર 2026થી થશે.
અત્યાર સુધી એનઆરઆઇ પાસેથી પ્રોપર્ટીની ખરીદી કરનાર ભારતીયે એક ટ્રાન્ઝેક્શન માટે પણ ટેન લેવો ફરજિયાત હતો. સામાન્ય રીતે ટેન કોર્પોરેટ કંપનીઓને જારી કરાય છે જ્યારે પાન ભારતીય નાગરિકો માટે છે.
સીતારમને તેમના બજેટ ભાષણમાં જણાવ્યું હતું કે, એનઆરઆઇ દ્વારા વેચાણ કરાતી સ્થાયી પ્રોપર્ટીના વેચાણ પરનો ટીડીએસ ખરીદદાર ભારતીયના પાન આધારિત ચલનના માધ્યમથી ડિડક્ટ અથવા ડિપોઝિટ કરાશે. તેના માટે ટેનની જરૂર રહેશે નહીં.


