એનઆરઆઇ માટે ભારતીય શેરબજારના સીધા દ્વાર ખૂલ્યાં

વર્ષ 2026ના બજેટમાં એનઆરઆઇ સહિત પર્સન્સ રેસિડેન્ટ આઉટસાઇડ ઇન્ડિયા માટે પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ સ્કીમની જાહેરાત

Tuesday 03rd February 2026 08:48 EST
 
 

લંડનઃ ભારતના કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને ઐતિહાસિક ગણી શકાય તેવી એક ઘટનામાં 1 ફેબ્રુઆરીના રવિવારના રોજ સતત 9મુ બજેટ રજૂ કર્યું હતું. વર્ષ 2026-27ના કેન્દ્રીય બજેટમાં નાણા પ્રધાને જાહેરાત કરી હતી કે હવે બિનનિવાસી ભારતીય (એનઆરઆઇ) અને અન્ય વિદેશી નાગરિકો માટે ભારતના શેરબજારનો વ્યાપ વધારવામાં આવ્યો છે. 2026ના કેન્દ્રીય બજેટમાં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ (પીઆઇએસ) અંતર્ગત લિસ્ટેડ શેરોની ખરીદી કરવા માટે વિદેશી નાગરિકો અને એનઆરઆઇ સહિત પર્સન્સ રેસિડેન્ટ આઉટસાઇડ ઇન્ડિયા (પીઆરઓઆઇ)ને ભારતીય શેરબજારોમાં સીધા રોકાણ માટે નવો રૂટ ખોલી દેવામાં આવ્યો છે.

બજેટ પ્રસ્તાવ અંતર્ગત પીઆરઓઆઇ હવે કંપનીના પેઇડ અપ કેપિટલના 10 ટકા સુધી વ્યક્તિગત ઇન્વેસ્ટમેન્ટ કરી શકશે. જે અગાઉ પાંચ ટકા હતા. આ પ્રકારના ઇન્વેસ્ટર્સ માટેની એગ્રિગેટ લિમિટ 10 ટકાથી વધારીને 24 ટકા કરી દેવામાં આવી છે. આ મર્યાદાઓ માન્ય સ્ટોક એક્સચેન્જ પર ખરીદ કરાતા શેર અને કન્વર્ટિબલ ડેબેન્ચર્સ પર લાગુ થશે.

અત્યાર સુધી વિદેશમાં વસતા ભારતીયો અને વિદેશી નાગરિકો ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર અથવા તો ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ રૂટો દ્વારા ભારતીય શેરબજારોમાં રોકાણ કરી શક્તાં હતાં. જેના માટે રજિસ્ટ્રેશન સહિતના અન્ય નિયમોનું ફરજિયાત પાલન કરવાનું રહેતું હતું. હવે પીઆઇએસ ફ્રેમવર્ક અંતર્ગત તમામ પીઆરઓઆઇ ઇન્વેસ્ટમેન્ટ પર થતો નફો ફેમા રૂલ્સ અંતર્ગત પોતાના દેશમાં ટ્રાન્સફર કરી શકશે.

ભારતીય શેરબજારોમાંથી વિદેશી મૂડીરોકાણકારો પલાયન કરી રહ્યાં છે તેવી સ્થિતિમાં આ જાહેરાત અત્યંત મહત્વની છે. પોર્ટફોલિયો સ્કીમ અંતર્ગત નોન રેસિડેન્ટ ઇન્ડિયન્સ અને ફોરેન ઇન્વેસ્ટર્સ ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા મંજૂર કરાયેલા સ્પેશિયલ બેન્ક એકાઉન્ટના માધ્યમથી ભારતીય શેરબજારોમાં શેરની ખરીદી અને વેચાણ કરી શકશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter