એનઆરઆઇએ હવે ભારતમાં થતી આવક પર વધુ ટેક્સ ચૂકવવા પડશે

લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ 10 ટકાથી વધારી 12.5 ટકા, શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ 15 ટકાથી વધારી 20 ટકા, ડેરિવેટિવ્ઝ પર એસટીટી 0.02 ટકા કરાયો

Tuesday 23rd July 2024 12:13 EDT
 
 

લંડનઃ ભારતના કેન્દ્રિય નાણાપ્રધાન નિર્મલા સીતારામન દ્વારા 23 જુલાઇના મંગળવારના રોજ વર્ષ 2024-25 માટેનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું. નિર્મલા સીતારામને તેમના બજેટમાં રજૂ કરેલા કેટલાક પ્રસ્તાવોની નોન રેસિડેન્ટ ઇન્ડિયન અને પ્રવાસી ભારતીયોની ભારતમાં થતી વિવિધ પ્રકારની આવક પર પણ વિપરિત અસર થવાની છે.

સીતારામને ઇન્કમટેક્સની નવા માળખાના સ્લેબમાં કેટલાક સુધારાની જાહેરાત કેન્દ્રિય બજેટમાં કરી હતી. જે અંતર્ગત સ્ટાન્ડર્ડ ડિડક્શન મર્યાદા રૂ. 50,000થી વધારી રૂ. 75,000 કરાઈ છે. તેમજ નવા ટેક્સ રેજિમ હેઠળ 3 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ લાગૂ થશે નહીં. ઉલ્લેખનીય છે, જૂના ટેક્સ રેજિમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી. નવા ટેક્સ રેજિમમાં ટેક્સ સ્લેબમાં ફેરફારોના કારણે પગારદાર ઈનકમ ટેક્સમાં રૂ. 17,500 સુધીની બચત કરી શકશે. 

ભારતીય શેરબજારમાં રોકાણોની આવક પર ટેક્સમાં વધારો

બીજીતરફ ભારતીય શેરબજારોમાં રોકાણ કરનારા એનઆરઆઇ અને પ્રવાસી ભારતીયો માટે પણ માઠા સમાચાર છે. નિર્મલા સીતારામને લોન્ગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ, શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ અને સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સમાં વધારાનો પ્રસ્તાવ બજેટ 2024માં મૂક્યાં છે. તેમણે લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ 10 ટકાથી વધારી 12.5 ટકા, જ્યારે શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ 15 ટકાથી વધારી 20 ટકા કર્યો છે. શોર્ટ ટર્મ ગેઈન ટેક્સ અમુક ચોક્કસ ફાઈનાન્સિયલ એસેટ્સ પર જ વધાર્યો છે. જ્યારે અન્ય તમામ ફાઈનાન્સિયલ અને નોન-ફાઈનાન્સિયલ એસેટ્સ પર જૂનો 15 ટકાનો દર લાગુ થશે. બીજી બાજુ તમામ ફાઈનાન્સિયલ અને નોન-ફાઈનાન્સિયલ એસેટ્સ પર લોંગ ટર્મ ગેઈન વધારી 12.5 ટકા કર્યો છે. જે 10 ટકા હતો. વધુમાં ડેરિવેટિવ્ઝ પર એસટીટી 0.02 ટકા કરવામાં આવ્યો છે.

સીતારામને જણાવ્યું હતું કે, એફએન્ડઓમાં વધતા રોકાણ સાથે સટ્ટાકીય પ્રવૃત્તિઓનું પ્રમાણ વધ્યું છે. જે શેરબજાર માટે યોગ્ય નથી. જેની નોંધ લેતાં એફએન્ડઓ પર સિક્યુરિટી ટ્રાન્જેક્શન ટેક્સ 0.02 ટકા અને 0.1 ટકા કરવાનો પ્રસ્તાવ છે. વધુમાં શેર્સના બાયબેક પર થતી કમાણી પર પણ ટેક્સ લાગુ કરવામાં આવશે.

હાલ, દેશમાં કેપિટલ ગેઈન ટેક્સ એસેટના પ્રકાર અને તેના હોલ્ડિંગના સમયગાળા પર આધારિત છે. ઈક્વિટી માટે 1 લાખથી વધુ લોંગ ટર્મ કેપિટલ ગેઈન પર 10 ટકા ટેક્સ લાગૂ છે, જ્યારે શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન હેઠળ 15 ટકા ટેક્સ લાગૂ થાય છે. ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં ઓપ્શન્સના વેચાણ પર 0.0625 ટકા એસટીટી લાગૂ થાય છે. જેની ચૂકવણી વેચાણકર્તા કરે છે. ફ્યુચર્સના વેચાણ પર સેલર દ્વારા 0.0125 ટકા ટેક્સ ચૂકવવામાં આવે છે. 

નવા ટેક્સ રેજિમમાં પ્રસ્તાવિત સુધારા

આવક – ટેક્સ

રૂ. 00 થી 03 લાખ – 00 ટકા

રૂ. 03 લાખથી 07 લાખ – 05 ટકા

રૂ. 07 લાખથી 10 લાખ – 10 ટકા

રૂ. 10 લાખથી 12 લાખ – 15 ટકા

રૂ. 12 લાખથી 15 લાખ – 20 ટકા

રૂ. 15 લાખ અને વધુ – 30 ટકા


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter