લંડન
વર્ષ 2023-24ના ભારત સરકારના કેન્દ્રીય બજેટમાં એનઆરઆઇ માટે કોઇ મહત્વની જાહેરાતો ન કરાતાં એનઆરઆઇ સમુદાયમાં નિરાશા પ્રવર્તી રહી છે. જોકે કેટલાંક પગલાં ભારતીય સંપત્તિઓમાંથી આવક કરવા અથવા ભારતમાં રોકાણ કરતા એનઆરઆઇને અસર કરી શકે છે.
ઇન્ડિયન ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશનને ઇન્કમ ટેક્સ એક્ટ સાથે સાંકળી લેવાની બજેટમાં જાહેરાત કરાઇ છે. ભારત સરકારે ફેર માર્કેટ વેલ્યૂ કરતાં વધુ કિંમતના શેર એનઆરઆઇને જારી કરવાને ટેક્સના દાયરામાં લાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. તેના કારણે એનઆરઆઇ રોકાણકારો દ્વારા સર્જિત અથવા સરક્યુલેટ થતા બિનહિસાબી નાણા પર સકંજો કસી શકાશે.
આરએસએમ ઇન્ડિયાના સ્થાપર સુરેશ સુરાનાએ જણાવ્યું હતું કે, નોન રેસિડેન્ટ શેરહોલ્ડર્સને પુરતા પ્રિમિયમ વિના શેર જારી કરાય છે જે યોગ્ય નથી. તેને અટકાવવાના હેતૂથી આ જોગવાઇ કરાઇ છે. વધારાના આ પ્રકારના કોઇપણ પ્રિમિયમને ટેક્સ નેટમાં લાવી શકાય અને ભારતીય કંપનીઓના હાથમાં અન્ય સોર્સ દ્વારા થતી આવક તરીકે ટેક્સેબલ બનાવી શકાય.
ટીડીએસ
વેલ્થ અને પેન્શન ફંડના યુનિટ હોલ્ડર્સ એક નાના ટેકનિકલ ઇશ્યૂથી પરેશાન છે જેમાં બિઝનેસ ટ્રસ્ટ એનઆરઆઇને થતી વ્યાજની આવક પર પાંચ ટકા ટીડીએસ ડિડક્ટ અથવા ડિપોઝિટ કરતા હતાં. કેન્દ્રીય બજેટમાં કરદાતાની કુલ આવક લોઅર રેટ પ્રમાણે છે તેવી એસેસિંગ ઓફિસરને ખાતરી થાય તો ટીડીએસ ઘટાડવા અથવા શૂન્ય ગણવા પ્રસ્તાવ મૂકાયો છે. 1 એપ્રિલ 2023થી સેક્શન 194એલબીએ અંતર્ગત જે રકમ પર ટેક્સ ડિડક્ટ કરાય છે તે લોઅર રેટ ડિડક્શન માટે યોગ્ય ગણાશે.
ટીડીએસ-ટેક્સ ફાઇલિંગ
વધુ લોકોને ટેક્સની જાળમાં લાવવાના પ્રયાસમાં સરકાર આવકવેરા રિટર્ન ફાઇલ નહીં કરનારા માટે ટેક્સ કલેક્શન અને ટીડીએસ બમણો વસૂલતી હતી. પરંતુ આ પગલું નાણાકિય વર્ષ દરમિયાન રૂપિયા 50,000 કરતાં વધુ ટીડીએસ અને ટીસીએસ ન ધરાવતા એનઆરઆઇને પણ અસર કરતું હતું. 2023ના કેન્દ્રીય બજેટમાં ભારતમાં કાયમી સંસ્થાન નહીં ધરાવતા એનઆરઆઇને 1 એપ્રિલ 2023થી આમાં રાહત આપવામાં આવી છે.
ગિફ્ટ
ભારતમાં રહેતી વ્યક્તિ ઘણીવાર એનઆરઆઇને ગિફ્ટ આપતી હોય છે. તેને નોન ટેક્સેબલ તરીકે દાવો કરી શકાતો હતો. તેના કારણે રૂપિયા 50,000 કરતાં વધુની કોઇપણ રકમ 5 જુલાઇ 2019 પછી એનઆરઆઇને મળી હોય તો તેને ભારતમાં ઉપાર્જિત માનવામાં આવતી હતી. પરંતુ આ જોગવાઇનો દુરુપયોગ થતો અટકાવવા 1 એપ્રિલ 2024 પછી રૂપિયા 50,000 કરતાં વધુની તમામ ગિફ્ટ પર ટેક્સ ચૂકવવાનો રહેશે.

