એનએએચએસ ટ્રસ્ટોમાં અશ્વેત અને એશિયન કર્મચારીઓ સાથે હજુ પણ વંશીય ભેદભાવ યથાવત

વંશીય ભેદભાવ સાંખી નહીં લેવાની ચેતવણી જારી કરવા એનએચએસ ટ્રસ્ટોને અપીલ

Wednesday 27th July 2022 07:28 EDT
 
 

લંડન

એનએચએસ ટ્રસ્ટ ખાતે ફરજ બજાવતા અશ્વેત, એશિયન અને વંશીય લઘુમતી સમુદાયોના 25 ટકા કર્મચારીઓએ પક્ષપાત અને ભેદભાવનો અનુભવ કર્યો છે.આ સમુદાયોના દર પાંચમાંથી ચાર કર્મચારીઓ કહે છે કે જ્યારે પણ અમારી સાથે આ પ્રકારનો વ્યવહાર થયો છે ત્યારે અમે તેને પડકાર આપ્યો છે. 50 ટકા કહે છે કે પડકાર આપ્યા બાદ અમારી સાથેના વ્યવહાર અને નીતિમાં બદલાવ આવ્યો છે. 50 ટકા કર્મચારીઓ કહે છે કે ઘણીવાર આ પ્રકારની નીતિઓને પડકાર આપવા માટે અમને એકલા પાડી દેવામાં આવે છે.

ઇંગ્લેન્ડમાં એનએચએસ ટ્રસ્ટા બીએએમઇ નોન એક્ઝિક્યુટિવ બોર્ડ મેમ્બરોનું પ્રતિનિધિત્વ કરતા સીકોલ ગ્રુપના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આ પ્રકારનો પક્ષપાત અને ભેદભાવ ક્યાંય સ્વીકાર્ય નથી. અશ્વેત.એશિયન અને વંશીય લઘુમતી સમુદાયોના ઘણા કર્મચારીઓને આ પ્રકારના અનુભવો થાય છે અને તેની સામે તેમને જાતે જ લડત આપવી પડે છે. અશ્વેત કર્મચારીઓ સાથે અત્યંત બદતર વર્તન કરાય છે. બોર્ડમાં રહેલા સભ્યોને પણ ચર્ચાઓમાંથી બાકાત કરી દેવાય છે અને સહયોગી સભ્યો દ્વારા તેમની સાથે ભાગ્યે જ વાત કરાતી હોય છે. લંડનમાં હોમેરટોન હોસ્પિટલ ટ્રસ્ટના બીએએમઇ ગ્રુપના વાઇસ ચેરમેન શેરોન ઇન્કો તારિયાહ કહે છે કે ઓર્ગેનાઇઝેશનમાં ઉચ્ચ હોદ્દાઓ પર હોવા છતાં અમારા કેટલાક સહકર્મચારીઓને પક્ષપાતનો સામનો કરવો પડે છે. તેમની અવગણના કરવામાં આવે છે અને પોતાના સમકક્ષ કર્મચારી જેવું વર્તન કરાતું નથી. આ પ્રકારની ઘટનાઓ વિચલિત કરી દેનારી હોય છે.

સીકોલ ગ્રુપે એનએચએસના નેતૃત્વને વિનંતી કરી છે કે ટ્રસ્ટોમાં આ પ્રકારના પક્ષપાત અને ભેદભાવને જરાપણ સાંખી નહીં લેવાય તેવી ચેતવણી જારી કરવામાં આવ. બોર્ડરૂમમાંથી પણ આ પ્રકારના ભેદભાવને તાત્કાલિક દૂર કરવામાં આવે. બ્રિટિશ સમાજમાં બીએએમઇ સમુદાયોનું પ્રમાણ 14 ટકા અને એનએચએસ ટ્રસ્ટોમાં બીએએમઇ કર્મચારીઓની સંખ્યા બાવીસ ટકા હોવા છતાં ટ્રસ્ટના ઉચ્ચ હોદ્દાઓમાં ફક્ત 11 ટકા જ આ સમુદાયોના છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter