લંડન
ગ્રેટર માન્ચેસ્ટરમાં ઓલિમ્પિક સ્ટાઇલની સ્પોર્ટ ઇવેન્ટ માટેને આર્થિક સહાય નકારી કાઢવાના સરકારના નિર્ણયની ટોરી સાંસદો દ્વારા જ આકરી ટીકા થઇ રહી છે. આ ઇવેન્ટમાંથી એકઠી થનારી રકમ માનસિક રોગીઓની સારવારમાં ચેરિટી તરીકે આપવાની આયોજકોની યોજના હતી. સ્પોર્ટ્સ મિનિસ્ટર નાઇજેલ હડલસને જણાવ્યું હતું કે, ગ્રેટર માન્ચેસ્ટરમાં પ્રસ્તાવિત સ્પોર્ટ્સ ઇવેન્ટ આર્થિક સહાય માટેના નિયમો અનુરૂપ નથી.
આઇવેન્ટમાં એનએચએસ અને ઇમર્જન્સી સેવાઓના કર્મચારીઓ 20 પ્રકારની સ્પર્ધામાં ભાગ લે તે પ્રકારનું આયોજન કરાયું હતું. કોરોના મહામારીમાં એનએચએસ અને ઇમર્જન્સી સેવાઓના કર્મચારીઓ દ્વારા કરાયેલી સેવાઓ માટે આભાર માનવા અને તેમાં એકઠી થનારી રકમને માનસિક રોગીઓની સારવાર માટે વાપરવાની યોજના બનાવવામાં આવી હતી. કોરોના મહામારીના કારણે સમર 2023 સુધી આ ઇવેન્ટ મોકુફ રાખવાનો નિર્ણય લેવાયો હતો પરંતુ માન્ચેસ્ટર અને સેલફોર્ડ શહેરો આ ઇવેન્ટનું આયોજન કરવા તૈયાર થયાં હતાં.
માન્ચેસ્ટરના મેયર એન્ડી બર્નહામે આ ઇવેન્ટને સંપુર્ણ સમર્થન જાહેર કર્યું હતું પરંતુ સરકારે તેને આર્થિક સહાય આપવાનો ઇનકાર કરી દેતાં તેના આયોજન પર પ્રશ્નાર્થચિહ્ન લાગી ગયું છે. ટોરી એમપી ગ્રેગ સ્મિથે જણાવ્યું હતું કે, માનસિક રોગીઓની સારવાર માટે ફંડ એકઠું કરવાની આ એક સારી તક હતી. કોરોના મહામારીમાં આપણી ઇમર્જન્સી સેવાઓએ ઘણા તણાવમાં કામગીરી બજાવી છે. પરંતુ સરકારે આ ઇવેન્ટને સહાયનો ઇનકાર કરીને હતાશ કર્યાં છે.

