લંડનઃ નાણા બચાવવા માટે એનએચએસ ઇંગ્લેન્ડમાં કર્મચારીઓની સંખ્યા 50 ટકા ઘટાડવાની કવાયત ચાલી રહી છે. એનએચએસ ઇંગ્લેન્ડના નવા બોસની દેખરેખ હેઠળ સીનિયર મેનેજમેન્ટ ટીમ અને સ્ટાફમાંથી અડધોઅડધ છટણી કરાશે. ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ સોશિયલ કેરમાં કર્મચારીઓનું ડુપ્લિકેશન અટકાવવા અને નાણા બચાવવા એનએચએસ ઇંગ્લેન્ડનો વર્કફોર્સ 13,000થી ઘટીને 6500 પર આવી જશે.
એનએચએસ ઇંગ્લેન્ડના સ્ટાફે જણાવ્યું હતું કે, જે રીતે નોકરીઓમાં કાપ મૂકાઇ રહ્યો છે તેનાથી અમે ઘણા આઘાતમાં છીએ. સરકાર 175 મિલિયન પાઉન્ડ બચાવવા 2000 કર્મચારીઓની છટણી કરી ચૂકી છે. આ પ્રક્રિયાના કારણે ડીએચએસસીનું કદ પણ ઘટશે. આ બદલાવોના કારણે એનએચએસ ઇંગ્લેન્ડ પર હેલ્થ સેક્રેટરી વેસ સ્ટ્રીટિંગનું નિયંત્રણ વધશે.
ઇંગ્લેન્ડમાં એનએચએસ ટ્રસ્ટોનું પ્રતિનિધિત્વ કરતાં એનએચએસ ફેડરેશનના ચીફ એક્ઝિક્યુટિવ મેથ્યૂ ટેઇલરે જણાવ્યું હતું કે, આ બદલાવો એનએચએસના રાષ્ટ્રીય માળખામાં સૌથી મોટો સુધારો કરશે.
એનએચએસ ઇંગ્લેન્ડના નવા વડા જિમ મેકકી આ સુધારાઓનું નેતૃત્વ કરશે. એક પ્રોગ્રામ બોર્ડ ડીએચએસસી અને એનએચએસ ઇંગ્લેન્ડના અધિકારીઓ સામેલ હશે તે બંને ઓર્ગેનાઇઝેશનમાં કર્મચારીઓની છટણીનું કામ સંભાળશે.