લંડનઃ સેંકડો મિલિયન પાઉન્ડની બચત કરવા, વેઇટિંગ લિસ્ટ ઘટાડવા અને બ્યુરોક્રેસીમાં કાપ મૂકવાના પ્રયાસ અંતર્ગત વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે ઇંગ્લેન્ડમાં આરોગ્ય સેવાઓ સરકાર હસ્તક લેવાની ગુરુવારે જાહેરાત કરી હતી. નવી વ્યવસ્થામાં સરકારે નેશનલ હેલ્થ સર્વિસ (એનએચએસ) ઇંગ્લેન્ડને નાબૂદ કરી દીધી છે.
હલ સિટીમાં આ અંગેની જાહેરાત કરતાં વડાપ્રધાન સ્ટાર્મરે જણાવ્યું હતું કે, મકાનોના નિર્માણમાં દાયકાઓ નીકળી જાય છે. કલાકોના પેપર વર્કના કારણે નાના બિઝનેસ પરેશાનીનો સામનો કરી રહ્યાં છે. એનએચએસ કરદાતાઓ પાસેથી જેટલા નાણા મેળવે છે તેનાથી ઘણુ ઓછું વળતર આપે છે. સરકાર તમને અને તમારા પરિવારને અપાવી જોઇએ તે સુરક્ષા આપે છે.
વડાપ્રધાને જણાવ્યું હતું કે, પ્રમાણિકપણે કહું તો હું બ્રિટિશ કરદાતાઓએ તેમના નાણા દ્વિસ્તરીય બ્યુરોક્રેસી પાછળ શા માટે ખર્ચવા જોઇએ તે હું સ્પષ્ટ કરી શક્તો નથી. એનએચએસ ઇંગ્લેન્ડને નાબૂદ કરવાથી બિનજરૂરી લાલફિતાશાહી દૂર થશે અને ફ્રન્ટલાઇન હોસ્પિટલોને આરોગ્ય સેવા માટે વધુ ભંડોળ ઉપલબ્ધ કરાવી શકાશે.
હેલ્થ સેક્રેટરી વેસ સ્ટ્રીટિંગે જણાવ્યું હતું કે, અમે એનએચએસ ઇંગ્લેન્ડના ભયજનક સંગઠનના કોફિનમાં છેલ્લો ખિલ્લો મારી દીધો છે. 2012માં કરાયેલા બદલાવોના કારણે હોસ્પિટલોમાં વેઇટિંગ લિસ્ટ રેકોર્ડ સ્તરે પહોંચ્યું હતું. દર્દીઓને સંતોષજનક સારવાર ઉપલબ્ધ થતી નહોતી અને ઇતિહાસની સૌથી ખર્ચાળ આરોગ્ય સેવા બની ગઇ હતી.