લંડનઃ એનએચએસની 75મા સ્થાપના દિન પ્રસંગે બુધવારે લંડનમાં વેસ્ટમિન્સ્ટર એબી ખાતે વિશેષ પ્રાર્થનાસભાનું આયોજન કરાયું હતું જેમાં એડિનબરોના ડ્યૂક અને ડચેસ, વડાપ્રધાન રિશી સુનાક, વિપક્ષ લેબર પાર્ટીના નેતા કેર સ્ટાર્મર સહિત મોટી સંખ્યામાં રાજકીય નેતાઓ, 1500 જેટલાં એનએચએસના કર્મચારી અને સમર્થકો હાજર રહ્યાં હતાં. વેસ્ટમિન્સટર એબી ખાતે આયોજિત સમારોહનું સંચાલન વેસ્ટમિન્સ્ટરના ડીન ડો. ડેવિડ હોયલે દ્વારા કરાયું હતું. તેમણે આ પ્રસંગે એનએચએસના કર્મચારીઓની કામગીરીને બિરદાવી હતી. સીનિયર નર્સ મે પાર્સન્સે જ્યોર્જ ક્રોસ સાથે પ્રોસેસનનું નેતૃત્વ કર્યું હતું. આ પ્રોસેસનમાં 17 વર્ષીય એમ્બ્યુલન્સ કેડેટ કાયલ ડીન કર્ટિસ અને એનએચએસમાં સૌપ્રથમ જોડાનારા કર્મચારીઓ પૈકીના એક 91 વર્ષીય એનિડ રિચમંડ પણ સામેલ થયાં હતાં. આ પ્રસંગે વડાપ્રધાન રિશી સુનાક અને લેબર પાર્ટીના નેતા કેર સ્ટાર્મરે બાઈબલમાંથી વચનોનું પઠન કર્યું હતું. તે ઉપરાંત આ સેરેમનીમાં હાજર રહેલા ખ્રિસ્તી, મુસ્લિમ, હિન્દુ અને શીખ ધર્મગુરૂ દ્વારા એનએચએસ માટે આશીર્વચન ઉચ્ચારાયાં હતાં.
આ પ્રસંગે સંબોધન કરતાં વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું હતું કે, એનએચએસ છેલ્લા 75 વર્ષથી કપરા તેમજ આનંદ અને આશાના સમયમાં પણ આપણી કાળજી લેતી રહી છે. જેમ કે તમારા પરિવારમાં નવા સંતાનનું આગમન થયું છે અથવા તો તમારી કેન્સરની સારવાર સમાપ્ત થઇ છે જેવા આનંદના સમાચાર એનએચએસ પાસેથી મળતાં રહ્યાં છે. એનએચએસ આપણા જીવનો અને રાષ્ટ્ર સાથે વણાઇ ગઇ છે. મારા માટે એનએચએસ એક પરિવાર છે.
વડાપ્રધાને જણાવ્યું હતું કે, મારા પિતા જીપી હતા અને મારા માતા સ્થાનિક ફાર્મસીનું સંચાલન કરતા હતા. તેમની પાસે આવતા દર્દીની સારવાર માટેની તેમની પ્રતિબદ્ધતા હું બાળપણથી જોતો આવ્યો છું. આપણે એકબીજાની કાળજી લઇએ છીએ તેનું પ્રતિક એનએચએસ છે. એનએચએસનો 75મો સ્થાપના દિવસ ન કેવળ ભૂતકાળ અને વર્તમાનમાં એનએચએસમાં ફરજ બજાવનાર તમામનો આભાર માનવાનો સમય છે પરંતુ આ સમયે આપણે ભવિષ્યને ધ્યાનમાં રાખીને પ્રતિજ્ઞા કરીએ કે આગામી 75 વર્ષ સુધી એનએચએસના ગૌરવની જાળવણી અને સેવાઓ માટે સમર્થન આપતા રહીશું. આ માટે હું પ્રતિબદ્ધ છું.


