એનએચએસ કન્સલ્ટન્ટ્સ અને સરકાર વચ્ચે પગાર વધારા મામલે સમજૂતિ

સીનિયર ડોક્ટરોને બખ્ખાં થતાં નર્સો નારાજ, ઉગ્ર હડતાળની ચેતવણી

Tuesday 28th November 2023 10:54 EST
 

લંડનઃ એનએચએસના સીનિયર ડોક્ટરો અને સરકાર વચ્ચે પગાર વધારા મામલે સમાધાન થઇ જતાં હવે તેમની હડતાળોનો અંત આવી જશે. કન્સલ્ટન્ટના યુનિયન લીડરોએ સરકાર દ્વારા રજૂ કરાયેલા સુધારેલા કોન્ટ્રાક્ટને સ્વીકારી લીધો છે જેના પગલે સીનિયર ડોક્ટરોના પગારમાં વધારા માટે ટ્રેઝરી દ્વારા સેંકડો મિલિયન પાઉન્ડનો બોજો વહન કરવો પડશે. આ કોન્ટ્રાક્ટ અંતર્ગત યોગ્ય લાયકાત ધરાવતા ડોક્ટરો તેમના ઉચ્ચ પગાર ધોરણ પર પાંચ વર્ષ પહેલાં જ પહોંચી શક્શે.

વડાપ્રધાન સુનાકે જણાવ્યું હતું કે, કન્સલ્ટન્ટો માટે આ યોગ્ય સોદો છે. તેમને કોન્ટ્રાક્ટમાં સુધારાના કારણે મોટો લાભ થશે. આ સમજૂતિથી કરદાતાઓને પણ કોઇ ફેર નહીં પડે કારણ કે તેનાથી આપણી ફુગાવા સામેની લડાઇ પર કોઇ અસર થતી નથી. સૌથી મહત્વની વાત તો એ છે કે હડતાળનો અંત આવશે.

આ સમજૂતિના કારણે નર્સોમાં અસંતોષ જનમ્યો છે. રોયલ કોલેજ ઓફ નર્સિંગે જણાવ્યું હતું કે, સરકારે દર્શાવી દીધું છે કે એનએચએસમાં ઊંચા પગાર ધરાવનારા માટે પગારમાં સુધારો કરવાની રાજકીય ઇચ્છા શક્તિ તેની પાસે છે. જેની સામે નર્સોને સૌથી ઓછો પગાર વધારો અપાયો છે. આના કારણે ભવિષ્યમાં નર્સોની હડતાળ ઉગ્ર બનવાની સંભાવના છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter