લંડનઃ એનએચએસ અંતર્ગત પ્રોસ્ટેટ કેન્સર માટે માસ સ્ક્રીનિંગ શરૂ કરવાની માંગને અધિકારીઓએ ફગાવી દેતાં એક્ટિવિસ્ટોએ ચેતવણી આપી છે કે સરકારનું આ વલણ હજારો પુરુષોને મોતના મોંમાં ધકેલી દેશે. યુકે નેશનલ સ્ક્રીનિંગ કમિટી દ્વારા લેવાયેલા નિર્ણય અનુસાર હવે માત્ર જેમનામાં કેન્સર માટે જવાબદાર જિનેટિક મ્યુટેશન જોવા મળ્યું હોય એવા ગણતરીના પુરુષોને જ નિયમિત તપાસની સુવિધા અપાશે.
આરોગ્ય અધિકારીઓનું કહેવું છે કે, આધેડ વયના પુરુષો માટે પ્રોસ્ટેટ સ્પેસિફિક એન્ટિજેન બ્લડ ટેસ્ટ કરવાથી અનેક લોકોના જીવ બચાવી શકાય તેમ છે. જો કે સામૂહિક સ્તરે આ ટેસ્ટ કરવાથી લાભ કરતાં નુકસાન વધુ થવાની સંભાવના છે. બિનજરૂરી કે ઓવરટ્રીટમેન્ટને કારણે ઊભા થતા જોખમોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે.
બીજી તરફ, કેન્સર સંબંધિત સામાજિક સંસ્થાઓએ આ પગલાંને પીછેહઠ ગણાવ્યું છે. સંસ્થાઓના મતે અશ્વેત પુરુષોમાં શ્વેત પુરુષોની સરખામણીએ પ્રોસ્ટેટ કેન્સરથી મૃત્યુ થવાનું જોખમ બમણું હોય છે. તેમ છતાં તેમને નિયમિત ટેસ્ટિંગનો લાભ ન આપવો એ તદ્દન અસ્વીકાર્ય બાબત છે.


