લંડનઃ દેશમાં મેદસ્વિતા નિયંત્રિત કરવાના પ્રયાસોના ભાગરૂપે એનએચએસ દ્વારા હાઇ સ્ટ્રીટ ફાર્મસીઓ ખાતે વેઇટ લોસ દવા વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવશે. અત્યારે વેગોવી અને મૌન્જારો સહિતની ડ્રગ્સ એનએચએસના સ્પેશિયાલિસ્ટ વેઇટ મેનેજમેન્ટ ક્લિનિક્સ ખાતે જ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. તેમાં હાલ બે વર્ષ સુધીનું વેઇટિંગ લિસ્ટ ચાલી રહ્યું છે.
તેનો અર્થ એ થયો કે ફક્ત 50,000 દર્દીઓ જ એનએચએસ ખાતે દવા મેળવી શકે છે. દેશમાં 15 મિલિયન લોકો મેદસ્વિતાથી પીડાઇ રહ્યાં છે અને તેઓ આ દવા મેળવવા યોગ્ય છે. બૂટ્સ અને સુપરડ્રગ સહિતની કેટલીક ડઝન ફાર્મસી દ્વારા જ વેગોવી અને મૌન્જારો દવાનું 150 પાઉન્ડ પ્રતિ માસ વસૂલીને પ્રાઇવેટમાં વેચાણ થાય છે. આ દવા એનએચએસના દર્દીને અપાતી નથી.
દવાઓ ઝડપથી ઉપલબ્ધ કરાવવા માટે મૌન્જારો ડ્રગ એનએચએસ કોમ્યુનિટી ફાર્મસી ખાતે ઉપલબ્ધ કરાવાશે. સરકાર દ્વારા આ ટ્રાયલની ટૂંકસમયમાં જાહેરાત કરાશે.