એનએચએસ પરનું ભારણ ઘટાડવા બે વર્ષની પાઇલોટ સ્કીમનો પ્રારંભ કરાવતા રિશી સુનાક

સ્કીમ અંતર્ગત જીપી ગેમ ચેન્જર મેદસ્વિતા વિરોધી દવાઓ પ્રિસ્ક્રાઇબ કરી શકશે

Tuesday 13th June 2023 13:13 EDT
 

લંડનઃ સરકાર દ્વારા સંચાલિત નેશનલ હેલ્થ સર્વિસ પરનું દબાણ ઘટાડવાના ઉદ્દેશ્યથી વડાપ્રધાન રિશી સુનાકે બે વર્ષની પાયલોટ સ્કીમનો પ્રારંભ કરાવ્યો છે જે અંતર્ગત જનરલ પ્રેકટિશનર્સ ઓછામાં ઓછી વજનને કારણે થતી બીમારીના કિસ્સામાં ગેમ ચેન્જર મેદસ્વિતા વિરોધી દવાઓને પ્રિસ્ક્રાઇબ કરી શકશે. વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું હતું કે, મેદસ્વિતા એનએચએસ પર વધારાનો બોજો નાખી રહી છે. લોકોને મેદસ્વિતા ઘટાડવામાં મદદ કરીને અમે એનએચએસના વેઇટિંગ લિસ્ટમાં ઘટાડો કરી શકીશું.

40 મિલિયન પાઉન્ડની આ બે વર્ષની પાઇલોટ સ્કીમ અંતર્ગત એનએચએસ માન્ય દવાઓ વધુ લોકોને કેવી રીતે સહેલાઇથી મળી શકે તે અંગેના નવા વિકલ્પો શોધી કાઢશે. સુનાકે જણાવ્યું હતું કે, વજન ઓછું કરવા માટેની આધુનિક દવાઓનો ઉપયોગ મેદસ્વિતાના કારણે થતી હાઇ બ્લડ પ્રેશર, ડાયાબિટિસ અને કેન્સર સહિતની બીમારીઓને રોકવામાં ગેમ ચેન્જર પૂરવાર થશે. તેના કારણે હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા ઘટાડી શકાશે. લોકોને તંદુરસ્ત લાંબા જીવન જીવવામાં મદદ કરી શકાશે. મારી પ્રાથમિકતા એનએચએસનું વેઇટિંગ લિસ્ટ ઘટાડવાની છે.

એનએચએસના ડેટા પ્રમાણે ગંભીર બીમારીઓ માટેનું એક મહત્ત્વનું કારણે મેદસ્વિતા છે. મેદસ્વિતાના કારણે હૃદયરોગ, ડાયાબિટિસ અને કેન્સર જેવી બીમારીઓને આમંત્રણ મળે છે. તેના કારણે દેશની આરોગ્ય સેવાઓ પર વર્ષે 6.5 બિલિયન પાઉન્ડનો બોજો પડે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter