લંડનઃ વેલ્શ સરકાર અને ભારતના કેરળ રાજ્યની સરકાર વચ્ચે 250 નર્સ અને ડોક્ટરને એનએચએસ વેલ્સમાં કામ કરવા લાવવા એક કરાર કરાયો છે. ભારતની મુલાકાત દરમિયાન વેલ્શના હેલ્થ મિનિસ્ટર એલ્યુનેટ મોર્ગને કેરળ સરકાર સાથે આ કરાર કર્યો હતો અને કેટલાક નર્સિંગ અને મેડિકલ પ્રોફેશનલ્સ તથા તેમના પરિવારજનો સાથે પણ મુલાકાત કરી હતી. ટૂંકસમયમાં 250 ભારતીય નર્સ અને ડોક્ટર એનએચએસ વેલ્સમાં જોડાશે.
જોકે નર્સિંગ યુનિયનના વડાએ જણાવ્યું હતું કે, ભારતથી 250 નર્સ અને ડોક્ટરને નિયુક્ત કરવાથી એનએચએસ વેલ્સમાં સ્ટાફની અછત પૂરી થઇ જશે નહીં. ગયા વર્ષના આંકડા દર્શાવે છે કે એનએચએસમં 4300 જગ્યા ખાલી પડી છે જેમાં 2300 નર્સ અને મિડવાઇફરીને લગતી જગ્યાઓ ખાલી છે. રોયલ કોલેજ ઓફ નર્સિંગે જણાવ્યું હતું કે, હાલ 3000 નર્સની તાત્કાલિક જરૂર છે.
રોયલ કોલેજ ઓફ નર્સિંગ વેલ્સના ડિરેક્ટર હેલેન વ્હાયલીએ જણાવ્યું હતું કે, અમે ભારતીય નર્સ અને ડોક્ટરોને આવકારે છીએ પરંતુ એનએચએસ વેલ્સમાં પ્રવર્તી રહેલી કર્મચારીઓની અછતનો આ વ્યાજબી ઉકેલ નથી. હાલ 3000 નર્સની જગ્યા ખાલી પડી છે તેથી 250 નર્સને નિયુક્ત કરવાથી કશું નહીં વળે.


