લંડનઃ એનએચએસના ઇતિહાસમાં પહેલીવાર ઇંગ્લેન્ડમાં જુનિયર અને સીનિયર ડોક્ટરો એકસાથે હડતાળ પર જવાની તૈયારી કરી રહ્યાં છે. સરકાર સાથે પગાર વધારા મુદ્દે ચાલી રહેલા વિવાદનો કોઇ ઉકેલ ન આવતાં જુનિયર અને સીનિયર ડોક્ટરોએ સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં ચાર દિવસ એક સાથે હડતાળ પર જવાનો નિર્ણય કર્યો છે જેના કારણે હોસ્પિટલોમાં અંધાધૂંધી સર્જાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ પરિસ્થિતિ માટે બ્રિટિશ મેડિકલ એસોસિએશન સરકારને જવાબદાર ગણાવી રહ્યું છે. માન્ચેસ્ટરમાં કન્ઝર્વેટિવ પાર્ટીનું વાર્ષિક અધિવેશન યોજાવાનું છે તે સમયગાળામાં ડોક્ટરો હડતાળ પર જશે. ડોક્ટરોએ 20 સપ્ટેમ્બર, 2,3 અને 4 ઓક્ટોબરે હડતાળ પર જવાનો નિર્ણય કર્યો છે.

