એનએચએસના કર્મચારીઓમાં વિદેશી નાગરિકો રેકોર્ડ સ્તરે પહોંચ્યાં

એનએચએસના સ્ટાફમાં 20.4 ટકા વિદેશી, સૌથી વધુ વિદેશી નર્સોનો સમાવેશ

Tuesday 13th February 2024 12:27 EST
 

લંડનઃ એનએચએસમાં યુકેના નાગરિક ન હોય તેવા કર્મચારીઓની સંખ્યા વિક્રમજનક સપાટી પર પહોંચી છે. એનએચએસમાં દર પાંચ કર્મચારીએ એક કર્મચારી વિદેશી નાગરિક છે. ઇંગ્લેન્ડમાં 13 લાખ જેટલો હોસ્પિટલ અને કોમ્યુનિટી હેલ્થ સ્ટાફ ધરાવતી એનએચએસમાં સપ્ટેમ્બર 2023માં 20.4 ટકા વિદેશી નાગરિકો હતાં જે સપ્ટેમ્બર 2016માં 13 ટકા હતાં.

એનએચએસના ફરજ બજાવતા વિદેશી કર્મચારીઓમાં સૌથી વધુ નર્સનો સમાવેશ થાય છે. એનએચએસમાં દર 10 નર્સે 3 નર્સ વિદેશી નાગરિક છે. ડોક્ટરો મધ્યે વિદેશી નાગરિકોની સંખ્યા પણ 33 ટકા જેટલી થવા જાય છે.

આ આંકડા પ્રસિદ્ધ થયા બાદ એનએચએસ દ્વારા વિદેશી કર્મચારીઓ પર રખાતા આધાર મુદ્દે ચિંતા વ્યક્ત કરાઇ છે. સરકાર વધુ બ્રિટિશ નાગરિકોને તાલીમ આપીને એનએચએસમાં વિદેશી નાગરિકોની સંખ્યા ઘટાડે તેવી માગ ઉઠવા લાગી છે.

યુકેમાં આવતા વિદેશી કામદારો પૈકીના સૌથી વધુ એનએચએસ અને સોશિયલ કેર સેક્ટરમાં આવે છે. ટોરી સાંસદોના નવા રચાયેલા ગ્રુપના મિરિયમ કેટ્સ કહે છે કે આ આંકડા ચોંકાવનારા છે અને ઘણા મહત્વના સવાલ ઊભા કરે છે. શા માટે આપણે યુકેમાં પુરતા ડોક્ટર અને નર્સને તાલીમ આપીને તૈયાર કરી શક્તાં નથી. શા માટે લાયકાત મેળવ્યા પછી બ્રિટિશ ડોક્ટરો એનએચએસમાં કામ કરતાં નથી. જેમની બીજી ભાષા ઇંગ્લિશ હોય તેવા કર્મચારીઓ એનએચએસની કામગીરી પર અસર તો નથી કરતી ને... યુકે કરતાં પણ ગરીબ દેશો હોય ત્યાંથી ડોક્ટરો અને નર્સોની ભરતી કેટલી નૈતિક છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter