લંડનઃ વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું છે કે એનએચએસમાં તોતિંગ વેઇટિંગ લિસ્ટ વડાપ્રધાન તરીકેની મારી સૌથી મોટી નિષ્ફળતા છે. મારી પાંચ પ્રાથમિકતાઓમાં એનએચએસનું વેઇટિંગ લિસ્ટ ઘટાડવાની પ્રાથમિકતા પર ઘણું ઓછું કામ થયું છે પરંતુ હવે એમ લાગી રહ્યું છે કે મારી નીતિ કામ કરી રહી છે.
વડાપ્રધાને જુનિયર ડોક્ટરોને પણ પગાર વધારાની ઓફર સ્વીકારી લેવાની અપીલ કરતાં જણાવ્યું હતું કે, જુનિયર ડોક્ટરોને ઓફર કરાયેલો પગાર વધારો પબ્લિક સેક્ટરમાં અપાયેલા પગાર વધારામાં સૌથી ઊંચો છે. એનએચએસમાં વેઇટિંગ લિસ્ટ ઘટાડવામાં નિષ્ફળતા માટે હડતાળો જવાબદાર છે.
વડાપ્રધાને પ્રામાણિકતાથી પોતાની નિષ્ફળતા સ્વીકારતા જણાવ્યું હતું કે, ફુગાવામાં ઘટાડો કરવામાં અમે સફળતા હાંસલ કરી છે પરંતુ એનએચએસમાં વેઇટિંગ લિસ્ટ ઘટાડવામાં અમને સૌથી મોટી નિષ્ફળતા મળી છે. અમે આ દિશામાં વધુ પ્રગતિ કરી શક્યાં નથી.
સુનાકે જણાવ્યું હતું કે, મેં વડાપ્રધાન પદ સંભાળ્યું ત્યાર પછી એનએચએસના વેઇટિંગ લિસ્ટમાં વધારો થયો છે. એ વાતમાં કોઇ શંકા નથી કે એનએચએસમાં પડાયેલી હડતાળો તેના માટે જવાબદાર છે. તે પહેલાં વેઇટિંગ લિસ્ટમાં ઘટાડો થઇ રહ્યો હતો. અમે પગાર વધારા મામલે કન્સલ્ટન્ટ્સ સાથે સમાધાન કરી શક્યાં છીએ. હવે ફક્ત જુનિયર ડોક્ટરો જ હડતાળ પાડી રહ્યાં છે. હું તેમને મંત્રણા કરવા અપીલ કરી રહ્યો છું.

