લંડનઃ બ્રિટિશ મેડિકલ એસોસિએશનના કન્સલ્ટન્ટ લેવલથી નીચેના ડોક્ટરો 25 જુલાઇની સવારના 7 કલાકથી 30 જુલાઇની સવારના 7 કલાક સુધી હડતાળ પર જશે જેના કારણે એનએચએસની હોસ્પિટલોને હજારો એપોઇન્ટમેન્ટ અને સર્જરી રદ કરવાની ફરજ પડશે. ડોક્ટરો 29 ટકાનો પગાર વધારો માગી રહ્યાં છે. તેમણે આગામી 6 મહિના સુધી હડતાળો માટે મતદાન કર્યું હતું.
રેસિડેન્ટ ડોક્ટરો માટેની બીએમએ કમિટીના સહાધ્યક્ષો ડો. મેલિસા રાયન અને ડો. રોસ નિઉવૂડ્ટે જણાવ્યું હતું કે, અમે પગાર વધારાની માગ પર ચર્ચા કરવા હેલ્થ સેક્રેટરી સાથે મુલાકાત કરી હડતાળ અટકાવવા માટેના તમામ પ્રયાસ કર્યા હતા. દુર્ભાગ્યે સરકારે પગાર વધારાની ચર્ચા કરવાનો જ ઇનકાર કરી દીધો છે. તેથી અમારી પાસે હડતાળ પાડવા સિવાય બીજો કોઇ વિકલ્પ નથી. કોઇ ડોક્ટર હડતાળ ઇચ્છતા નથી પરંતુ જો સરકાર આગામી બે સપ્તાહમાં ચર્ચા શરૂ કરશે તો હડતાળ આગળ નહીં વધે. હવે નિર્ણય સરકારે કરવાનો છે.
બીજીતરફ હેલ્થ સેક્રેટરી વેસ સ્ટ્રીટિંગે જણાવ્યું હતું કે, આ હડતાળ માટે જનતા ડોક્ટરોને માફ નહીં કરે. બીએમએએ સરકાર સાથે મળીને કામ કરવું જોઇએ. અમે ડોક્ટરોની સ્થિતિ સુધારવા ચર્ચા કરવા તૈયાર છીએ. બ્રિટનના ઇતિહાસમાં કોઇ ટ્રેડ યુનિયન દ્વારા 28.9 ટકાનો પગાર વધારો માગવામાં આવ્યો નથી.