એનએચએસના સીનિયર ડોક્ટરો અને સરકાર વચ્ચે પગાર વધારા મુદ્દે સમાધાન

સીનિયર ડોક્ટરો 20,000 પાઉન્ડ સુધીનો પગાર વધારો સ્વીકારવા સહમત

Tuesday 09th April 2024 11:48 EDT
 

લંડનઃ એનએચએસના કન્સલ્ટન્ટ્સ અને સરકાર વચ્ચે પગારવધારા મુદ્દે સમાધાન થઇ ગયું છે. એનએચએસના કન્સલ્ટન્ટ્સ પ્રતિ વર્ષ 20,000 પાઉન્ડ સુધીનો પગાર વધારો સ્વીકારવા સહમત થઇ ગયાં છે. આ પે ડીલના સમર્થનમાં એનએચએસના 83 ટકા સીનિયર ડોક્ટરોએ મતદાન કર્યું હતું. તેના પગલે હવે સીનિયર ડોક્ટરો દ્વારા હડતાળ પડાશે નહીં. વર્ષના પ્રારંભે ડોક્ટરોએ પે ડીલને નકારી કાઢી હતી.

એનએચએસ કન્સલ્ટન્ટ્સ સાથે સમાધાનને આવકારતાં વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું હતું કે, દર્દીઓ માટે આનંદના સમાચાર છે. સીનિયર ડોક્ટરોના આ નિર્ણયનો અર્થ એ થયો કે હવે આપણે એનએચએસમાં વેઇટિંગ લિસ્ટ ઘટાડવાના લક્ષ્યાંક તરફ પ્રગતિ કરી શકીશું. એનએચએસના વેઇટિંગ લિસ્ટમાં સતત ચોથા મહિને ઘટાડો નોંધાયો છે. એનએચએસમાં કન્સલ્ટન્ટ્સ મહત્વની ભુમિકા ભજવે છે. તેમણે પે ડીલનો સ્વીકાર કર્યો તેની મને ખુશી છે.

બીએમએ કન્સલ્ટન્ટ્સ કમિટીએ જણાવ્યું હતું કે, મહિલાઓ માટે પ્રસુતિની રજા માટે સુધારા સહિત કોન્ટ્રાક્ટમાં સુધારાની ઓફર પણ અપાઇ છે. તે ઉપરાંત સ્વતંત્ર પગાર સમીક્ષા સમિતિની પ્રોસેસમાં પણ બદલાવ કરાશે.

જોકે જુનિયર ડોક્ટરો અને સરકાર વચ્ચે પગાર વધારા માટે હજુ વિખવાદ ચાલી રહ્યો છે. જુનિયર ડોક્ટરો પ્રતિ વર્ષ 35 ટકાનો વધારો માગી રહ્યાં છે. તેઓ સપ્ટેમ્બર સુધી હડતાળ પાડવાનું જારી રાખશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter