લંડનઃ સિક લીવ પર રહીને કામ પર નહીં જતા લોકોની સંખ્યા ઘટાડવા એનએચએસ દ્વારા ઘેર – ઘેર હેલ્થકેર વર્કર્સને મોકલાશે. બેરોજગારી સહિતની સમસ્યાઓના ઉકેલ માટે એનએચએસ દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી રહી છે. ઇંગ્લેન્ડના 25 વિસ્તારોમાં આ યોજના શરૂ કરાશે.
હેલ્થ સેક્રેટરી વેસ સ્ટ્રીટિંગે જણાવ્યું હતું કે, આ યોજનાના પ્રારંભિક પરિણામ સારા રહ્યાં છે. તેના દ્વારા જાહેર સેવાઓનો ભરપૂર ઉપયોગ કરનારાની સંખ્યા ઘટાડવામાં સફળતા મળી રહી છે. મને કોમ્યુનિટી હેલ્થ વર્કર મોડેલમાં રસ છે અને તેની અસર દેખાઇ રહી છે.
આ હેલ્થ કર્મચારીઓ એનએચએસની 10 વર્ષીય યોજનાનો હિસ્સો રહેશે. તેમના દ્વારા પણ ફેમિલી ડોક્ટર દ્વારા ઘરની મુલાકાત પસંદ કરવામાં આવી રહી છે. યોજનાના સમર્થકો કહે છે કે કેટલાક લોકો તેને સ્ટિરોઇડ્સ પર આધારિત નેની સ્ટેટ ગણાવી શકે છે પરંતુ બ્રાઝિલમાં શરૂ કરાયેલી આ યોજના બ્રિટનના ભાવિને પણ બદલી શકે છે.
આ યોજના અંતર્ગત એક કોમ્યુનિટી હેલ્થ વર્કરને 120 મકાન સોંપાશે જેઓ દર મહિને આ ઘરોની મુલાકાત લઇ કોઇને ખરેખર મદદની જરૂર છે કે કેમ તેની તપાસ કરશે. વેસ્ટ મિન્સ્ટરમાં હાથ ધરાયેલા પાયલટ પ્રોજેક્ટ અનુસાર આ યોજના દ્વારા દર વર્ષે હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓની સંખ્યામાં 10 ટકાનો ઘટાડો કરી શકાશે.