એનએચએસની સેવાઓ સામે બ્રિટિશ જનતામાં અસંતોષ ચરમસીમા પર પહોંચ્યો

ફક્ત 29 ટકા બ્રિટિશ જનતા જ એનએચએસની કામગીરીથી સંતુષ્ટ હોવાનો અહેવાલ

Tuesday 04th April 2023 13:29 EDT
 
 

લંડન

સારવારમાં થઇ રહેલા વિલંબ, કર્મચારીઓની અછત અને સરકારી ફંડિંગના અભાવના કારણે એનએચએસની કામગીરીથી બ્રિટિશ જનતા સંતુષ્ટ નથી. એનએચએસની વિશ્વસનિયતા અને કામગીરી અંગેનો સંતોષ ગગડીને તળિયે પહોંચ્યો છે. ફ્ક્ત 29 ટકા લોકો જ એનએચએસની કામગીરીથી સંતુષ્ટ છે. 51 ટકા લોકોએ એનએચએસની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી છે. જીપીની સેવાઓથી 42 ટકા, ડેન્ટિસ્ટની સેવાઓથી 42 ટકા અને એએન્ડઇની સેવાઓથી 40 ટકા લોકો સંતુષ્ટ નથી.

વિપક્ષ એનએચએસની આ સ્થિતિ માટે 2010થી સત્તામાં આવેલી કન્ઝર્વેટિવ પાર્ટીને જવાબદાર ગણાવી રહ્યો છે. નેશનલ સેન્ટર ફોર સોશિયલ રિસર્ચ અનુસાર 2010માં 70 ટકા જનતા એનએચએસની કામગીરીથી સંતુષ્ટ હતી. 2010માં લેબર પાર્ટીએ સત્તા ગુમાવી હતી. ત્યાર પછી 2022માં એનએચએસની કામગીરીથી સંતુષ્ટ લોકોની સંખ્યા ગગડીને 29 ટકા પર આવી ગઇ હતી. તેમાં પણ છેલ્લા બે વર્ષમાં અસંતુષ્ટ લોકોની સંખ્યા વધીને બમણી થઇ છે. 2020માં 25 ટકા લોકો જ અસંતુષ્ટ હતાં જેની સામે 2022માં આવા લોકોની સંખ્યા વધીને 51 ટકા પર પહોંચી ગઇ હતી. એકતરફ એનએચએસમાં દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે ત્યારે કર્મચારીઓની અછત તીવ્ર બની રહી છે. હાલ સમગ્ર યુકેમાં 90 લાખ દર્દીઓ એનએચએસમાં સારવાર માટેરાહ જોઇ રહ્યાં છે.

બ્રિટિશ મેડિકલ એસોસિએશનના પ્રોફેસર ફિલિપ બેનફિલ્ડ કહે છે કે એક સમયે એનએચએસ સમગ્ર વિશ્વમાં સૌથી સન્માનપાત્ર આરોગ્ય સેવા ગણાતી હતી. પરંતુ સરકાર દ્વારા જ થઇ રહેલી અવગણનાના કારણે એનએચએસ હવે ખસ્તાહાલ સ્થિતિમાં આવી ગઇ છે.

સરકારી કર્મચારીઓ પરના બ્રિટિશ જનતાના વિશ્વાસમાં ઘટાડો

એક સરવે અનુસાર સરકારી કર્મચારીઓ પરના બ્રિટિશ જનતાના વિશ્વાસમાં ઘટાડો થયો છે. તેમ છતાં સરકાર, સંસદ અને રાજકીય પાર્ટીઓ કરતાં બ્રિટિશ જનતાને સરકારી કર્મચારીઓ પર વધુ વિશ્વાસ છે. જોકે અન્ય દેશોની સરખામણીમાં બ્રિટનમાં સરકારી કર્મચારીઓ પરનો વિશ્વાસ ઓછો જોવા મળી રહ્યો છે. 2022માં ફક્ત 49 ટકા લોકો જ સરકારી કર્મચારીઓની કામગીરી પર વિશ્વાસ ધરાવતા હતા. જ્યારે સરકાર પર ફક્ત 24 ટકા, સંસદ પર 23 ટકા લોકો જ વિશ્વાસ ધરાવે છે.

 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter