એનએચએસની હોસ્પિટલોમાં 5000 નવા બેડની સુવિધા, 800 નવી એમ્બ્યુલન્સ ખરીદાશે

દરેક હોસ્પિટલમાં સેમ ડે ઇમર્જન્સી કેર યુનિટો શરૂ કરાશે, હોસ્પિટલો પર ભારણ ઘટાડવા ઘરઆંગણે સારવાર અપાશે

Wednesday 01st February 2023 05:24 EST
 
 

લંડન

વડાપ્રધાન રિશી સુનાકે એનએચએસની તંદુરસ્તી સુધારવા અને ઇમર્જન્સી કેર માટે નવી યોજનાની જાહેરાત કરી છે. સરકારનો દાવો છે કે આ યોજના દ્વારા એનએચએસના ઇતિહાસમાં ઇમર્જન્સી વેઇટિંગ ટાઇમમાં સૌથી ઝડપી અને મોટો સુધારો કરી શકાશે. એનએચએસમાં ઇમર્જન્સી સારવારમાં થઇ રહેલા વિલંબને ઘટાડવા માટે આ વર્ષે હોસ્પિટલોમાં હજારોની સંખ્યામાં બેડ વધારાશે. ઇમર્જન્સીમાં એમ્બ્યુલન્સ સેવામાં થઇ રહેલા વિલંબને ઘટાડવા સેંકડો નવી એમ્બ્યુલન્સ સામેલ કરવાની સરકાર દ્વારા જાહેરાત કરાઇ છે.

સરકાર એનએચએસની સ્થિતિ સુધારવા આગામી બે વર્ષમાં 1 બિલિયન પાઉન્ડની સહાય આપશે જે અંતર્ગત એનએચએસમાં 5000 નવા બેડની વ્યવસ્થા કરાશે જેના કારણે એનએચએસમાં બેડની સંખ્યામાં પાંચ ટકાનો વધારો થશે. તે ઉપરાંત એમ્બ્યુલન્સ સેવામાં થઇ રહેલા વિલંબને ઘટાડવા 800 નવા વાહનો ખરીદાશે જેના કારણે એમ્બ્યુલન્સની સંખ્યામાં 10 ટકાનો વધારો થશે.

એનએચએસને સુદ્રઢ બનાવવાની દ્વિવાર્ષિક યોજના

-          100 સ્પેશિયલ મેન્ટલ હેલ્થ વ્હિકલ સહિત 800 નવી એમ્બ્યુલન્સ ખરીદાશે

-          5000 નવા બેડ એનએચએસની હોસ્પિટલોમાં તૈયાર કરાશે

-          મેજર એએન્ડઇ સાથે દરેક હોસ્પિટલમાં કન્સલ્ટન્ટ અને નર્સોથી સજજ્ એવા સેમ ડે ઇમર્જન્સી કેર યુનિટ શરૂ કરાશે

-          માર્ચ 2024 સુધીમાં 76 ટકા એએન્ડઇ દર્દીઓને 4 કલાકમાં સારવાર મળતી થઇ જશે, હાલમાં ફક્ત 70 ટકાને જ આ સમયમર્યાદામાં સારવાર મળે છે જ્યારે સત્તાવાર લક્ષ્યાંક 95 ટકા છે

-          હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવા કેટેગરી ટુના ઇમર્જન્સી કોલ્સ માટે એવરેજ રિસ્પોન્સ ટાઇમ 30 મિનિટ પર લવાશે, ડિસેમ્બરમાં એમ્બ્યુલન્સને પહોંચતા 90 મિનિટ થતી હતી, સત્તાવાર લક્ષ્યાંક 18 મિનિટનો છે

ઘરઆંગણે સારવાર માટે વર્ચ્યુઅલ વોર્ડની યોજના

સરકારે બેડ અને એમ્બ્યુલન્સની સંખ્યામાં વધારો કરવાની સાથે ગયા વર્ષે લેવાયેલાં કેટલાંક પગલાં વિસ્તારવાનો નિર્ણય લીધો છે. જેમાં વર્ચ્યુઅલ વોર્ડની રચના કરાશે જે અંતર્ગત હાર્ટ ફેલ્યોર જેવી સ્થિતિનો સામનો કરી રહેલા દર્દીઓને ડિજિટલ ટેકનોલોજીની મદદથી તેમના ઘરમાં જ સારવાર અપાશે. શિયાળામાં વૃદ્ધોને ઘેરબેઠા અપાતી સારવારની સુવિધાને હવે આખુ વર્ષ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે જેથી હોસ્પિટલો પરનું ભારણ ઓછું કરી શકાય. હોસ્પિટલમાં સારવાર બાદ રિહેબિલિટેશન અને ફિઝિયો સેવાઓ માટે મેડિકલ ટીમો ઘરઆંગણે સેવાઓ આપશે.

સરકારની યોજના પર મેડિકલ નિષ્ણાતોને શંકાઓ

એનએચએસમાં સુધારા માટે સરકાર દ્વારા જાહેર કરાયેલા પાંચ સૂત્રીય કાર્યક્રમની મેડિકલ નિષ્ણાતો દ્વારા આકરી ટીકા કરાઇ છે. તેમણે જણાવ્યું છે કે એનએચએસમાં કર્મચારીઓની અછતને જોતાં નવી યોજના કેટલી સફળ થશે તે કહેવું મુશ્કેલ છે. નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે સરકારીની યોજના સંવેદનશીલ મહત્વાકાંક્ષાઓ ધરાવે છે પરંતુ કર્મચારીઓની અછતની ગંભીર કટોકટી નિવાર્યા વિના યોજના સફળ થાય તેમ નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter