એનએચએસની હોસ્પિટલોમાં કોરોનાના ટેસ્ટ બંધ કરવાનો નિર્ણય

કોરોનાના લક્ષણ ધરાવતા દર્દી અને કર્મચારીઓના જ ટેસ્ટ કરાશે

Wednesday 31st August 2022 05:50 EDT
 
 

લંડન

સરકારે જાહેરાત કરી છે કે 31 ઓગસ્ટથી ઇંગ્લેન્ડમાં કોરોનાના લક્ષણો ન હોય તેવા હોસ્પિટલમાં દાખલ થતા મોટાભાગના દર્દીઓ અને કેર હોમમાં રહેતા લોકોના કોરોના ટેસ્ટ કરાશે નહીં. તે ઉપરાંત એનએચએસ હોસ્પિટલોના કર્મચારીઓઓ અને સોશિયલ કેરના કર્મચારીઓ માંદા ન પડે ત્યાં સુધી કોરોના ટેસ્ટ કરાશે નહીં. ઇંગ્લેન્ડમાં એપ્રિલ મહિનાથી સામાન્ય જનતા માટે વિનામૂલ્યે કોરોનાના ટેસ્ટ બંધ કરાયા હતા. સરકારે જણાવ્યું છે કે યુકેમાં કોરોનાના કેસમાં મોટો ઘટાડો થયો છે તેથી મોટાભાગના ટેસ્ટ બંધ કરી શકાય છે. જનતાને રસી આપીને અને એન્ટીવાયરલ ટ્રીટમેન્ટ દ્વારા સંરક્ષણ અપાશે. જો કે સરકાર સ્થિતિ પર ચાંપતી નજર પણ રાખશે. આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે નવા નિયમો અંતર્ગત લક્ષણો ધરાવતા ન હોય તેવા એનએચએસ હોસ્પિટલોના કર્મચારીઓ, દર્દીઓ અને રેસિડેન્ટ્સના કોરોના ટેસ્ટ પર રોક લગાવી દેવામાં આવી છે. જો કે કેર હોમ અને હોસ્પિટલમાં દાખલ કરાતા નવા દર્દીઓના કોરોના ટેસ્ટ જારી રહેશે. નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા દર્દીઓના ટેસ્ટ પણ જારી રખાશે. જે કર્મચારી અથવા દર્દીમાં કોરોનાના તાવ, ખાંસી અને ગંધ પારખવાની શક્તિ ગુમાવવા જેવા લક્ષણો હશે તેમના કોરોના ટેસ્ટ કરાશે. હેલ્થ સેક્રેટરી સ્ટીવ બાર્કલેએ જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણમાં ઘટાડો થયો હોવા છતાં અમે સ્થિતિ પર ચાંપતી નજર રાખીશું અને જરૂર જણાશે તો ફરી કોરોનાના ટેસ્ટ શરૂ કરીશું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter