એનએચએસની હોસ્પિટલોમાં બેડ અને ઓક્સિજનની ભારે અછતથી દર્દીઓ પરેશાન

હોસ્પિટલ પહોંચ્યા પછી પણ બેડ માટે 99 કલાક સુધી રાહ જોવી પડે છે....

Wednesday 04th January 2023 06:05 EST
 
 

લંડન

એનએચએસની સેવાઓ પડી ભાંગવાની આરે પહોંચી છે. હોસ્પિટલોમાં ઓક્સિજનની ભારે અછત સર્જાઇ છે અને મડદાંઘરોમાં મૃતદેહો ઉભરાઇ રહ્યાં છે. દર્દીઓને હોસ્પિટલમાં બેડ મેળવવા માટે 99 કલાક સુધી રાહ જોવાની ફરજ પડી રહી છે. ભરચક એ એન્ડ ઇ ડિપાર્ટમેન્ટોમાં મોટી સંખ્યામાં દર્દીઓને તેમના હાલ પર છોડી દેવામાં આવી રહ્યાં છે. ફ્લૂ અને કોરોનાના વધી રહેલા કેસના કારણે એનએચએસની હોસ્પિટલોમાં લાઇફ સેવિંગ પોર્ટેબલ ઓક્સિજનની અછત સર્જાઇ છે. હલ, નોટિંગહામ, લિવરપૂલ, ક્રેવ, ડર્બી અને ડરહામની હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત વ્યાપક બની છે.  એનએચએસના એક કર્મચારીએ જણાવ્યું હતું કે, અમારી પાસે દર્દીઓની સારવાર માટે પુરતા પ્રમાણમાં ઓક્સિજન નથી. સરેમાં જનરલ પ્રેકટિશનરોને જણાવી દેવામાં આવ્યું છે કે હોસ્પિટલોના મડદાંઘરમાં હવે જગ્યા રહી નથી. બેડફોર્ડશાયર, લ્યુટન અને મિલ્ટન કેઇન્સ હેલ્થ એન્ડ કેરમાં કર્મચારીઓને તંબુઓમાં દર્દીઓની સારવારની સંભાવના ચકાસવાના આદેશ અપાયા છે.

ઇમર્જન્સી સારવારમાં વિલંબને કારણે સપ્તાહમાં 500 દર્દીનાં મોત

રોયલ કોલેજ ઓફ ઇમર્જન્સી મેડિસિનના વડા ડો. એડ્રિયન બોયલે જણાવ્યું છે કે એનએચએસની હોસ્પિટલોમાં દર્દીઓને સારવારમાં થતા વિલંબને કારણે દર સપ્તાહે 500 દર્દીના બિનજરૂરી મોત થઇ રહ્યાં છે. હોસ્પિટલોમાં ઇમર્જન્સી સારવારમાં થઇ રહેલા વિલંબને કારણે આ શિયાળો અત્યંત બદતર પૂરવાર થવાનો છે. ફ્લૂ, કોરોના અને સ્ટ્રેપ એના કારણે હોસ્પિટલમાં દર્દીઓનો મોટો ધસારો જોવા મળી રહ્યો છે. ઇમર્જન્સી સારવારમાં વિલંબને કારણે દર સપ્તાહે 300થી 500 દર્દીનાં મોત થઇ રહ્યાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter