લંડન
ઇંગ્લેન્ડની બ્લડ બેન્કોમાં લોહીનો પૂરવઠો અત્યંત નીચા સ્તરે પહોંચતા હોસ્પિટલોમાં લોહીની અછત સર્જાઇ છે. ઘણી હોસ્પિટલોને ઇમર્જન્સી ન હોય તેવા ઓપરેશનો રદ કરવાની ફરજ પડી રહી છે. જે દર્દીઓને તાકિદે લોહીની જરૂર હોય તેમને પ્રાથમિકતા આપવાનો એલર્ટ જારી કરાયો છે. એનએચએસ બ્લડ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ વિભાગે આ માટે રક્તદાતાઓ સાથે સંપર્કમાં રહેતા કર્મચારીઓની અછતને જવાબદાર ગણાવી છે. સામાન્ય રીતે એનએચએસની પાસે 6 દિવસ ચાલે તેટલો લોહીનો જથ્થો રહેતો હોય છે પરંતુ અત્યારે આ જથ્થો ફક્ત બે દિવસની જરૂરીયાત પૂરી કરી શકે તે સ્તરે પહોંચ્યો છે. તેથી રક્તદાતાઓને આગળ આવીને મોટાપાયે રક્તદાન કરવાની અપીલો કરવામાં આવી રહી છે.
સૌથી વધુ માગ ઓ બ્લડ ગ્રુપની રહે છે કારણ કે ઓ પોઝિટિવ સૌથી કોમન બ્લડ ગ્રુપ છે. ઓ નેગેટિવ કોઇપણ વ્યક્તિને ચડાવી શકાય છે. એનએચએસબીટીના વેન્ડી ક્લાર્ક કહે છે કે હોસ્પિટલોને લોહીને સાચવીને વાપરવાનું કહેવું પડે તે ગંભીર બાબત છે. તાત્કાલિક લોહીની જરૂર હોય તેવા દર્દીઓની સુરક્ષા માટે આ મહત્વનું પગલું છે. અમે રક્તદાતાઓની મદદથી લોહીનો અનામત જથ્થો વધારવાના પ્રયાસો કરી રહ્યાં છીએ. જો તમે ઓ પોઝિટિવ કે ઓ નેગેટિવ બ્લડ ગ્રુપ ધરાવો છો તો તમે ઝડપથી એપોઇન્ટમેન્ટ મેળવીને રક્તદાન કરો તેવી અમારી અપીલ છે.
કોરોના મહામારી શરૂ થઇ ત્યારથી કર્મચારીઓની અછત, બિમારી અને લોકોના વર્તનમાં બદલાવના કારણે રક્તનો પૂરવઠો પડકારજનક બન્યો છે. અમે ખાલી જગ્યાઓ ભરવા માટે તાત્કાલિક ભરતી કરી રહ્યાં છીએ.
એનએચએસમાં વેઇટિંગ લિસ્ટ વિક્રમજનક 70 લાખને પાર
એનએચએસમાં વેઇટિંગ લિસ્ટ ઇતિહાસમાં પહેલીવાર 70 લાખને પાર કરી ગયું છે. જુલાઇમાં એનએચએસમાં સારવારની રાહ જોઇ રહેલા દર્દીઓની સંખ્યા 68 લાખ હતી. તેનો અર્થ એ થયો કે ઇંગ્લેન્ડમાં દર આઠમાંથી એક વ્યક્તિ એનએચએસમાં સારવાર માટે રાહ જોઇ રહ્યો છે. આ વેઇટિંગ લિસ્ટમાં લગભગ 4 લાખ તો એવાં છે જેઓ છેલ્લા એક વર્ષથી તેમના વારાની રાહ જોઇ રહ્યાં છે.
એનએચએસમાં મરામતનો અંદાજ પહેલીવાર 10 બિલિયન પાઉન્ડને પાર
એનએચએસની ખસ્તાહાલ હોસ્પિટલોમાં મરામતનો અંદાજ પહેલીવાર 10 બિલિયન ડોલરને પાર કરી ગયો છે. એનએચએસ ડિજિટલના એક રિપોર્ટ અનુસાર દેશમાં એનએચએસની હોસ્પિટલોમાં મરામત માટે 10.2 બિલિયન પાઉન્ડની જરૂર પડશે. ગયા વર્ષે આ અંદાજ 9.2 બિલિયન પાઉન્ડનો હતો જે આ વર્ષે 11 ટકા વધી ગયો છે. હોસ્પિટલોની છતો જરીપુરાણી બની છે અને ઇક્વિપમેન્ટ પણ ખસ્તાહાલ સ્થિતિમાં છે. 30 હોસ્પિટલની છતો ગમે ત્યારે ધરાશાયી થઇ શકે છે.


