લંડન
ચાન્સેલર જેરેમી હન્ટે ખસ્તાહાલ બનેલી એનએચએસ માટે આગામી બે વર્ષ માટે 6.6 બિલિયન પાઉન્ડની ફાળવણીનું વચન આપ્યું છે. એનએચએસની કામગીરી સુધારવા માટે આગામી બે વર્ષ સુધી દર વર્ષે 3.3 બિલિયન પાઉન્ડનું ભંડોળ ફાળવાશે. હન્ટે જણાવ્યું હતું કે, કોરોના મહામારી બાદ ફ્રન્ટ લાઇન પર કામ કરી રહેલા આરોગ્ય કર્મચારીઓની હાડમારી હું સારી રીતે સમજી શકું છું. આરોગ્ય કર્મચારીઓની અછત હાલની સૌથી મોટી સમસ્યા છે. હાલ એનએચએસમાં 1,32,000 જગ્યા ખાલી પડી છે.
હન્ટે જણાવ્યું હતું કે, આગામી વર્ષોમાં ડોક્ટર, નર્સ અને અન્ય પેરામેડિકલ સ્ટાફની ભરતી માટે ડીએચએસસી અને એનએચએસ દ્વારા સ્વતંત્ર રીતે યોજનાઓ જાહેર કરાશે. મહામારી સામે લડવા એનએચએસના બજેટમાં વિક્રમજનક વધારો કરવામાં આવ્યો હતો. હું આજે તમામ સરકારી સેવાઓને બિનજરૂરી ખર્ચ ઘટાડવાનું આહવાન કરું છું. આજે આપણને ગુણવત્તા અને અસરકારકતા એમ બંનેની જરૂર છએ જેથી નાગરિકોને સારા પરિણામ આપી શકાય અને કરદાતાઓને તેમણે ચૂકવેલા ટેક્સનું સારુ વળતર મળી શકે.
હન્ટે જણાવ્યું હતું કે એનએચએસ માટે કરાયેલી ફાળવણીથી તેની મહત્વની પ્રાથમિકતાઓ પૂરી કરી શકાશે. સરકાર એનએચએસ પ્રત્યેની તેની પ્રાથમિકતા અને જવાબદારીથી સારી રીતે વાકેફ છે જે આ ફાળવણી દ્વારા પૂરવાર થાય છે. સરકાર એનએચએસને પહેલી પ્રાથમિકતા આપી રહી છે.


