એનએચએસને સુનાકની સંજીવની બુટ્ટી

15 વર્ષીય યોજનામાં 60,000 ડોક્ટર, 1,70,000 નર્સ અને 71,000 અન્ય હેલ્થ સ્ટાફની તબક્કાવાર ભરતી કરાશે, મેડિકલ, નર્સિંગ, મીડવાઇફ, નર્સિંગ એસોસિએટ્સ અને ફિઝિશિયન એસોસિએટ્સ વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ વધારો કરાશે

Tuesday 04th July 2023 13:49 EDT
 
 

લંડનઃ રિશી સુનાક સરકારે ખસ્તાહાલ બનેલી નેશનલ હેલ્થ સર્વિસ (એનએચએસ-ઇંગ્લેન્ડ)ને બેઠી કરવા રેકોર્ડ સંખ્યામાં ડોક્ટર અને નર્સની ભરતી માટેના લાંબા સમયથી વિલંબિત ઐતિહાસિક પ્લાનની જાહેરાત ગયા સપ્તાહમાં શુક્રવારે કરી હતી. 15 વર્ષીય યોજનામાં 60,000 ડોક્ટર, 1,70,000 નર્સ અને 71,000 અન્ય હેલ્થ સ્ટાફની તબક્કાવાર ભરતી કરાશે. તે ઉપરાંત સરકાર દ્વારા ડોક્ટર, નર્સ, મીડવાઇફ, નર્સિંગ એસોસિએટ્સ અને ફિઝિશિયન એસોસિએટ્સ વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ વધારો કરવાની જાહેરાત કરાઇ છે.

યોજનાની જાહેરાત કરતા વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું હતું કે, વિલંબ થવા છતાં આ યોજના ઐતિહાસિક છે અને તેના યોગ્ય આયોજન માટે જ આટલો વિલંબ થયો છે. આ યોજના દ્વારા એનએચએસનું સૌથી મોટું વિસ્તરણ થશે. તાલીમબદ્ધ ડોક્ટર અને નર્સની મોટી સંખ્યામાં ભરતી કરાશે. જેના પગલે આપણે બદલાતા વિશ્વમાં સારી સારવાર આપી શકીશું. જોકે આ યોજનાનો લક્ષ્યાંક સરળ અને ઝડપી નહીં હોય.

હેલ્થ સેક્રેટરી સ્ટીવ બાર્કલેએ જણાવ્યું હતું કે, એનએચએસમાં કર્મચારીઓની સંખ્યામાં ધરમૂળથી બદલાવ સૌથી રૂઢિચુસ્ત આધુનિકીકરણ છે. 1948માં એનએચએસની સ્થાપના થઇ ત્યારથી આટલો મોટો સુધારો ક્યારેય થયો નથી. બ્રિટનની કોઇપણ સરકારે આ પ્રકારની યોજના દાખલ કરી નથી. એનએચએસના ઇતિહાસમાં કર્મચારીઓને તાલીમમાં વિસ્તરણની આ સૌથી મોટી યોજના છે. આ માટે આગામી પાંચ વર્ષમાં સરકાર દ્વારા એનએચએસને 2.4 બિલિયન પાઉન્ડની વધારાની સહાય અપાશે.

એનએચએસ પ્લાન એક નજરે....

-          60,000 ડોક્ટર, 1,70,000 નર્સ અને 71,000 અન્ય હેલ્થ સ્ટાફની તબક્કાવાર ભરતી

-          સ્ટુડન્ટ ડોક્ટર માટેની મેડિકલ સ્કૂલ બેઠકો બમણી કરીને પ્રતિ વર્ષ 15000 વધારાશે

-          જુનિયર ડોક્ટર માટેની પી ટ્રેઇની બેઠકો 50 ટકા વધારીને 4000થી 6000 કરાશે

-          દર વર્ષે નર્સ અને મીડવાઇફ સ્ટુડન્ટની સંખ્યા 24000 જેટલી વધારાશે

-          2031 સુધીમાં નર્સિંગ એસોસિએટ્સની ટ્રેનિંગ માટેની બેઠકો 10000 કરતાં વધુ કરાશે

-          2036 સુધીમાં ફિઝિશિયન એસોસિએટ્સ માટેની ટ્રેનિંગ બેઠકો 10,000 કરાશે


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter