લંડનઃ 15 પ્રકારના કેન્સરની સારવારમાં સક્ષમ પાંચ મિનિટની સારવાર યુરોપમાં પહેલીવાર એનએચએસ ખાતે ઉપલબ્ધ થશે. દર મહિને 1000 કરતાં વધુ દર્દીઓને આ ઇન્જેક્શન અપાશે જેના પગલે ડ્રીપ દ્વારા અપાતી મેડિસિન લેવી નહીં પડે. આ ઇન્જેક્શન ફક્ત પાંચ મિનિટમાં આપી દેવાશે જેથી સારવારનો એક કલાકનો સમય ઘટાડી શકાશે.
નિષ્ણાતોનું માનવું છે કે કેન્સરની સારવારમાં આ એક આધુનિક કદમ છે. તેના દ્વારા દર મહિને હજારો દર્દીઓનું આરોગ્ય સુધારી શકાશે.
મેડિસિન એન્ડ હેલ્થકેર પ્રોડક્ટ રેગ્યુલેટરી એજન્સીએ ગયા બુધવારે નિવોલુમેબના ચામડીની નીચે અપાતા ઇન્જેક્શનને મંજૂરી આપી દીધી હતી. આ ઇન્જેક્શનને ઓપડિવો તરીકે પણ ઓળખાય છે. આ દવા લન્ગ, બોવેલ, કિડની, બ્લેડર, સ્કિન સહિતના 15 કેન્સરની સારવારમાં કારગર છે.
એનએચએસ ઇંગ્લેન્ડે જણાવ્યું હતું કે આ સારવાર દ્વારા દર્દીની સારવારમાં એક વર્ષનો સમય બચાવી શકાશે. તેનાથી એનએચએસ પરનું દબાણ પણ ઘટશે અને વધુ એપોઇન્ટમેન્ટ ઉપલબ્ધ બની રહેશે.