લંડન: ઇંગ્લેન્ડમાં એનએચએસ હેઠળના વિવિધ હેલ્થ ટ્રસ્ટ બજેટની ખોટને સરભર કરવા માટે મથામણ કરી રહ્યા છે, જેના પરિણામે હજારો કર્મચારીઓએ પોતાની નોકરી ગુમાવવી પડે તેવી ભીતિ સેવાઈ રહી છે. તાજેતરના એક સંશોધન મુજબ વર્ષ 2028 સુધીમાં હોસ્પિટલો અને અન્ય સ્વાસ્થ્ય સુવિધાઓમાંથી અંદાજે 21,000 જગ્યાઓ ઓછી કરવામાં આવશે.
યુનિયન 'યુનિસન' દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જણાવાયું છે કે, સરકાર દ્વારા આ વર્ષથી જ ટ્રસ્ટના બજેટને 'બ્રેક-ઈવન' (આવક-ખર્ચ સમાન કરવા) પર લાવવાની માંગ કરવામાં આવી છે. આ નાણાકીય લક્ષ્યાંકોને પહોંચી વળવા માટે હોસ્પિટલ, કોમ્યુનિટી અને મેન્ટલ હેલ્થ સર્વિસમાં કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે.
ફ્રીડમ ઓફ ઇન્ફોર્મેશન હેઠળ મળેલી વિગતો અનુસાર આ નવી કપાત એનએચએસ ઇંગ્લેન્ડ અને ઇન્ટિગ્રેટેડ કેર બોર્ડ્સમાં ગયા વર્ષે જાહેર કરાયેલી છટણી ઉપરાંતની છે. એનએચએસમાં નવી ભરતી પર પ્રતિબંધ, વિભાગોનું પુનર્ગઠન અને હંગામી કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો જેવા પગલાં પણ તેમાં સામેલ છે.
યુનિસનના હેલ્થ ચીફ હેલ્ગા પાઈલે આ નિર્ણયની આકરી ટીકા કરતા જણાવ્યું હતું કે, વર્તમાન સ્ટાફ પહેલેથી જ કામના ભારણ હેઠળ દબાયેલો છે, ત્યારે હજારો નોકરીઓનો કાપ મૂકવો એ ખોટો નિર્ણય છે. જનતા જાણે છે કે સ્ટાફની અછત એ મોટી સમસ્યા છે અને આ સ્થિતિ વધુ ખરાબ થતાં લોકોમાં ચિંતા વધશે. વર્ષોથી અપૂરતા ફંડિંગને કારણે ટ્રસ્ટો દેવામાં છે.


