લંડન
દેશના અગ્રણી સાંસદોના જૂથે ચેતવણી આપી છે કે એનએચએસમાં કર્મચારીઓની અછત ઇતિહાસની સૌથી ગંભીર કટોકટી બની રહી છે. હાઉસ ઓફ કોમન્સની હેલ્થ એન્ડ સોશિયલ કેર સિલેક્ટ કમિટીએ સરકારની અણઆવડતની આકરી ટીકા કરી છે. એનએચએસમાં કર્મચારીઓની અછત દૂર કરવા માટેની બ્લૂપ્રિન્ટના અમલમાં વિલંબ માટે સમિતિએ સરકારના મંત્રીઓને પણ આડે હાથ લીધાં છે. સમિતિના રિપોર્ટ અનુસાર ઇંગ્લેન્ડમાં મેડિકલ કર્મચારીઓની અછત સત્તાવાર આંકડા કરતાં પણ ઘણી ગંભીર છે. એનએચએસના આંકડા પ્રમાણે તેની હોસ્પિટલોમાં 8016 ડોક્ટર અને 38972 નર્સની અછત છે. જોકે વાસ્તવિક આકડા 12,000 ડોક્ટર અને 50,000 નર્સ હોઇ શકે છે. એનએચએસમાં ફરજ બજાવતા અગ્રણી ડોક્ટરોનો આરોપ છે કે કેટલીક પોસ્ટ માટે ભરતી જ કરાતી નથી કારણ કે હોસ્પિટલોને તેમને પગાર આપવાનો પોસાતો નથી. ડોક્ટરો અને નર્સો ઉપલબ્ધ હોવા છતાં તેમને નિયુક્ત કરાતાં નથી.
સમિતિના અધ્યક્ષ જેરેમી હન્ટે જણાવ્યું હતું કે, આપણને અંદાજ જ નથી કે એનએચએસની હોસ્પિટલોને વધારાના કેટલા ડોક્ટર, નર્સ અને અન્ય પ્રોફેશનલ્સની જરૂર છે. કોરોના મહામારીમાં કાર્યબોજથી લદાયેલા કર્મચારીઓ માંડ તે સ્થિતિમાંથી બહાર આવી રહ્યાં છે. આપણે જાણીએ છીએ કે આ સમસ્યાનો તાત્કાલિક અંત આવી જવાનો નથી પરંતુ આપણી પાસે એક યોજના તો હોવી જોઇએ. નવા વડા પ્રધાને આ સમસ્યાને ટોચની પ્રાથમિકતા આપવી પડશે. સુનાક અને ટ્રસ વચ્ચેની ડિબેટમાં પણ આ મુદ્દો છવાઇ રહ્યો છે. તાજેતરમાં જ સુનાકે જણાવ્યું હતં કે, એનએચએસ કેરમાં 66 લાખ દર્દીઓનો બેકલોગ છે. એનએચએસમાં થઇ રહેલા વિલંબને કારણે દર્દીઓને મોંઘાદાટ બિલ ચૂકવીને હોસ્પિટલોમાં સારવાર કરાવવાની ફરજ પડી રહી છે. ટ્રસે નેશનલ ઇન્શ્યુરન્સમાં કરાયેલા 1.25 ટકાના વધારાને રદ કરવાનું વચન આપ્યું છે.
સમિતિના તારણો સુનાક અને ટ્રસ માટે મોટો પડકાર ઊભા કરશે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કર્મચારીઓની અછતના કારણે સ્ટાફ અને દર્દીઓની સુરક્ષા પર પણ ગંભીર જોખમો સર્જાયાં છે. ગંભીર રીતે બીમાર દર્દીની સારવારમાં વિલંબથી તેની સારવારનો ખર્ચ પણ વધી જાય છે. સમિતિએ જણાવ્યું છે કે 2024માં એનએચએસમાં વધારાની 50,000 નર્સ અને 6000 ડોક્ટર નિયુક્ત કરાય.


