લંડન
એનએચએસની હોસ્પિટલોમાં એશિયન સમુદાયના દર્દીઓને સારવાર માટે ભારે પક્ષપાતનો સામનો કરવો પડી રહ્યો હોવાનો ખુલાસો એક નવા એનાલિસિસમાં કરાયો છે. કોરોના મહામારી દરમિયાન શ્વેત, અશ્વેત અને મિશ્ર વંશીય સમુદાયના દર્દીઓ કરતાં એશિયન સમુદાયના દર્દીઓની સારવારમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. રિસર્ચ પ્રમાણે ઇંગ્લેન્ડમાં 2020 પહેલાં પણ વિવિધ વંશીય સમુદાયોને અપાતી સારવારના દરમાં મોટો તફાવત જોવા મળતો પરંતુ કોરોના મહામારીના બે વર્ષ દરમિયાન પ્લાન્ડ હોસ્પિટલ પ્રોસિજર્સમાં37 લાખનો ઘટાડો થતાં આ તફાવત વિકરાળ બની રહ્યો છે. શ્વેત લોકો કરતાં એશિયન સમુદાયની પ્રોસિજર વચ્ચેનો તફાવત વધીને 23,000ને પાર કરી ગયો છે.
નફફિલ્ડ ટ્રસ્ટ અને એનએચએસ રેસ એન્ડ હેલ્થ ઓબ્ઝર્વેટરી દ્વારા જારી કરાયેલા રિપોર્ટમાં વંશીય સમુદાયના બેકલોગ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી છે. તેમાં પાંચ મુખ્ય વંશીય સમુદાયને કોરોના મહામારી દરમિયાન અને તે પહેલાં નિયમિત હોસ્પિટલ સારવાર માટેના દરમાં રહેલા તફાવતને ઉજાગર કરાયો છે. આરએચઓના હબીબ નકવી કહે છે કે, કેટલાક વંશીય સમુદાયમાં એનએચએસ અને સરકાર પ્રત્યેના વિશ્વાસનો અભાવ અને સમાજમાં પ્રવર્તતો સંસ્થાગત અને માળખાકીય વંશીય ભેદભાવ આના માટે જવાબદાર છે.
નફફિલ્ડ ટ્રસ્ટના ડેપ્યુટી ડિરેક્ટર સારા સ્કોબી કહે છે કે સરકાર બેકલોગને ક્લિયર કરવાને પહેલી પ્રાથમિકતા આપી રહી છે. સમુદાયો વચ્ચે સામે આવેલી હેલ્થકેરની અસમાનતા દૂર કરવા માટે તાકિદે પગલાં લેવાની જરૂર છે.
વંશીય ભેદભાવ અને સારવારમાં અસમાનતા
- કોરોના મહામારી પહેલાં પણ શ્વેત સમુદાયના દર્દીઓને અશ્વેત, મિશ્ર અને એશિયન સમુદાયોના દર્દીઓ કરતાં વધુ એપોઇન્ટમેન્ટ અપાતી હતી. શ્વેત સમુદાયને એશિયન સમુદાય કરતાં 18 ટકા વધુ એપોઇન્ટમેન્ટ ફાળવી દેવાતી હતી.
- કોરોના મહામારીના પ્રથમ વર્ષમાં તમામ સમુદાયમાં પ્રોસિજરના દરમાં અસમાન ઘટાડો થયો. એશિયન સમુદાયની પ્રોસિજરમાં સૌથી વધુ 49 ટકા જ્યારે શ્વેત અને અશ્વેત સમુદાયની પ્રોસિજરમાં 44 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો .
- સૌથી મોટો તફાવત હૃદયરોગની સારવારમાં જોવા મળ્યો. એશિયન સમુદાયની પ્રોસિજરમાં 45 ટકા જ્યારે અશ્વેત સમુદાયની પ્રોસિજરમાં 35 અને શ્વેત સમુદાયની પ્રોસિજરમાં ફક્ત 28 ટકાનો ઘટાડો થયો હતો.


