લંડનઃ એનએચએસમાં છેલ્લા એક વર્ષમાં સર્જરી દરમિયાન ગંભીર ભૂલોની 400 કરતાં વધુ ઘટનાઓ સામે આવી છે. જેમાં ખોટું અંગ દૂર કરવા, શરીરના ખોટા હિસ્સા પર સર્જરી કરવા અથવા તો દર્દીના શરીરમાં સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ભૂલી જવા જેવી ઘટનાઓનો સમાવેશ થાય છે. કેટલાક કિસ્સામાં તો અન્ય દર્દી પર જ સર્જરી કરી દેવાઇ હતી. રોયલ કોલેજ ઓફ સર્જને ચેતવણી આપી છે કે આ પ્રકારની ભૂલોનું પુનરાવર્તન ન થાય તે માટેના કારણો સમજવાની એનએચએસને જરૂર છે.
આ પ્રકારના દર્દીઓમાં ગિલ નામની દર્દીનો પણ સમાવેશ થાય છે. તેને અસહ્ય વેદનાના કારણે રાઇટ સર્વિકલ રિબ પર સર્જરની સલાહ અપાઇ હતી પરંતુ સર્જને ખોટું ઓપરેશન કરીને તેના વર્ટિબ્રેના હિસ્સાને જ દૂર કરી દીધો હતો જેના કારણે તેની કરોડરજ્જુને કાયમી નુકસાન થયું છે.
ગિલ કહે છે કે સર્જરની બીજી સવારે હું ઉઠી ત્યારે મને એમ લાગ્યું કે મારા હાથ અને પગ જ નથી. મને વિચાર આવ્યો કે મારી સાથે કશું ખોટું થયું છે. ગિલ પાર્ટ ટાઇમ કૂક તરીકે ફરજ બજાવતી હતી. ડોક્ટરોએ તેને જણાવ્યું છે કે તે હવે ચાલી શકશે નહીં. તેનો જમણો હાથ પણ કામ કરતો નથી તેથી તે રોજિંદુ જીવન જીવવામાં સંઘર્ષ કરી રહી છે. ગિલને આ માટે વળતર ચૂકવાયું છે.
એનએચએસના ડેટા અનુસાર એપ્રિલ 2024થી માર્ચ 2025 વચ્ચે આ પ્રકારની 403 ઘટના નોંધાઇ હતી.