લંડનઃ એનએચએસમાં દાંતની સારવારનો ખર્ચ 2015 પછી 40 ટકા જેટલો વધી ગયો છે. દાંતની સારવાર જાણે કે ફુગાવાના દર કરતાં પણ 25 ટકા વધુ ઝડપથી મોંઘી બની રહી છે. 2015થી સીપીઆઇ ફુગાવામાં 29.5 ટકાનો વધારો થયો છે તેની સામે દાંતની સારવારના ખર્ચમાં 37 ટકાનો વધારો થયો છે. આંકડા દર્શઆવે છે કે ક્રાઉન અથવા તો બ્રિજિસ જેવી સૌથી ખર્ચાળ સારવારમાં 2015થી 84.30 પાઉન્ડનો વધારો થયો છે. જો ફુગાવાના દર પ્રમાણે વધારો થયો હોત તો તે ફક્ત 20 પાઉન્ડ જ હોત.
લિબરલ ડેમોક્રેટ હેલ્થ પ્રવક્તા ડેઇઝી કૂપરે ડેન્ટલ ડેઝર્ટ અને ડીઆઇવાય ડેન્ટિસ્ટ્રીનો અંત લાવવા અને એનએચએસમાં ફંડિગ વધારવાની માગ કરી છે. તેમણે ડેન્ટિસ્ટ ટ્રેનિંગ સેન્ટરો વધારવા પણ અપીલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, એનએચએસની ડેન્ટલ સિસ્ટમ ભાંગી પડી છે. એનએચએસમાં દાંતની સારવાર માટે મુશ્કેલીથી એપોઇન્ટમેન્ટ મળે છે અને કેટલાક સ્થળોએ તો દાંતની સારવાર જ ઉપલબ્ધ નથી. કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસમાં પીડાતી જનતાને દાંતની સારવાર માટે પ્રાઇવેટ સેક્ટરમાં સેંકડો પાઉન્ડનો ખર્ચ કરવો પડે છે.


