લંડન
એનએચએસના ઇતિહાસમાં પહેલીવાર નર્સો દ્વારા 15 ડિસેમ્બરના રોજ દેશવ્યાપી હડતાળ પડાતાં આરોગ્ય સેવાઓ ખોરવાઇ ગઇ હતી. રોયલ કોલેજ ઓફ નર્સિંગ સાથે સંકળાયલી એક લાખ કરતાં વધુ નર્સોએ ઇંગ્લેન્ડ, વેલ્સ અને ઉત્તર આયર્લેન્ડમાં 63 એનએચએસ ટ્રસ્ટની હોસ્પિટલો ખાતે સવારના 8 વાગ્યાથી હડતાળનો પ્રારંભ કર્યો હતો.
નર્સોની હડતાળના કારણે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. એનએચએસની હોસ્પિટલોમાં 60 ટકા રૂટિન ઓપરેશન રદ કરી દેવાયાં હતાં. હોસ્પિટલોએ હિપ અને ની સંબંધિત 40થી 60 ટકા સર્જરી રદ કરી દીધી હતી. નર્સોની હડતાળના કારણે 70,000 એપોઇન્ટમેન્ટ રદ કરવામાં આવી હતી.
એનએચએસ પ્રોવાઇડર્સના ચીફ એક્ઝિક્યુટિવ સેફ્રોન કોર્ડેરીએ જણાવ્યું હતું કે, નર્સોની હડતાળના કારણે હોસ્પિટલો અને દર્દીઓ પર ગંભીર અસર પડી હતી.
નર્સોની હવે પછીની હડતાળ 20મી ડિસેમ્બરે રહેશે. આ હડતાળમાં નર્સોની સાથે પેરામેડિકલ કર્મચારીઓ અને 999 કોલ હેન્ડલર્સ પણ જોડાવાના હોવાથી સ્થિતિ વધુ ગંભીર બનવાની સંભાવના છે. 21મી ડિસેમ્બરે એમ્બ્યુલન્સ કર્મચારીઓની હડતાળ છે જે સ્થિતિને વધુ પડકારજનક બનાવશે.
નર્સોના યુનિયને સરકાર સમક્ષ 19 ટકા પગારવધારાની માગ કરી છે જેને સરકાર દ્વારા નકારી કઢાઇ છે. સરકારે નર્સોને 4 ટકા અથવા તો 1400 પાઉન્ડનો પગારવધારો આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો જેને નર્સોના યુનિયને ફગાવી દીધો હતો. યુનિયનનું કહેવું છે કે માર્ગારેટ થેચરના કાર્યકાળમાં શરૂ કરાયેલી વ્યવસ્થા જરીપુરાણી થઇ ગઇ છે અને તે નર્સો માટે કોઇ કામની નથી. યુનિયને ચેતવણી આપી છે કે જો સરકાર દ્વારા અમારી માગો સ્વીકારવામાં નહીં આવે તો અમે જાન્યુઆરીમાં પણ વધુ હડતાળોનું આયોજન કરીશું.
ફ્લૂનો રોગચાળો ગંભીર બનતાં એનએચએસમાં એલર્ટ જાહેર
ફ્લૂનો રોગચાળો ગંભીર બનતાં એનએચએસના તમામ ટ્રસ્ટોને એલર્ટ પર મૂકી દેવામાં આવ્યાં છે. છેલ્લા એક સપ્તાહમાં ફ્લૂની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યામાં 40 ટકાનો મોટો ઉછાળો થયો છે. નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે કાતિલ ઠંડીના કારણે દર્દીઓને એકસાથે રાખવાથી વધુ લોકો ફ્લૂ, કોવિડ અને અન્ય વિન્ટર વાયરસનો શિકાર બની શકે છે. આ વર્ષે ફ્લૂની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યામાં આઠ ગણો વધારો થયો છે.
એનએચએસની હોસ્પિટલોમાં ઇમર્જન્સી બેડ ખાલી કરાવાયા
એમ્બ્યુલન્સ કર્મચારીઓની હડતાળને ધ્યાનમાં રાખીને એનએચએસની હોસ્પિટલોમાં બેડ ખાલી કરાવી દેવાની અપીલ એનએચએસના વડાઓ દ્વારા કરાઇ છે. તેમણે જણાવ્યું હતું કે, સ્થિતિ ગંભીર બને તે પહેલાં દર્દીઓને સુરક્ષિત રીતે ડિસ્ચાર્જ કરી દેવા જોઇએ. એમ્બ્યુલન્સના કર્મચારીઓ દ્વારા 21 અને 28 ડિસેમ્બરના રોજ હડતાળનું એલાન કરાયું છે.
બિઝનેસ સેક્રેટરી ગ્રાન્ટ શેપ્સે જણાવ્યું છે કે એમ્બ્યુલન્સના કર્મચારીઓ અને નર્સોના પગાર વધારાના નિર્ણયો સ્વતંત્ર પગાર સમીક્ષા સંસ્થાઓ દ્વારા લેવાતા હોય છે.
હોસ્પિટલના વડાઓને લખેલા પત્રોમાં એનએચએસના વડાઓએ જેમની ઇમર્જન્સી મેડિકલ સારવાર પૂરી થઇ ગઇ હોય તેવા દર્દીઓને ઇમર્જન્સી વિભાગોમાંથી હટાવી લેવા જણાવ્યું છે. એમ્બ્યુલન્સ અને નર્સોની હડતાળ દરમિયાન ઇમર્જન્સીમાં સારવાર જરૂરી હોય તેવા દર્દીઓને ઝડપથી દાખલ કરી શકાય તે માટે આ પગલું લેવામાં આવી રહ્યું છે.
એમ્બ્યુલન્સ કર્મચારીઓની હડતાળ દરમિયાન ટેક્સીઓ ભાડે લેવાશે
આગામી સપ્તાહમાં એમ્બ્યુલન્સના કર્મચારીઓની હડતાળ દરમિયાન દર્દીઓને હોસ્પિટલ પહોંચવામાં મુશ્કેલી ન પડે તે માટે એનએચએસ દ્વારા ટેક્સીઓ ભાડે લેવામાં આવશે. 10 ડાઉનિંગ સ્ટ્રીટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ટેક્સીઓનું ભાડું એનએચએસ ટ્રસ્ટના બજેટમાંથી ચૂકવવામાં આવશે. જોકે અત્યંત ઇમર્જન્સીના કિસ્સામાં એમ્બ્યુલન્સ કર્મચારીઓ સેવાઓ આપશે જ્યારે જીવનું જોખમ ન હોય તેવા કિસ્સાઓમાં દર્દીઓને હોસ્પિટલમાં પહોંચાડવા માટે ટેક્સીની મદદ લેવાશે. ટેક્સી ઉપરાંત અન્ય કોઇપણ વૈકલ્પિક ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા કરવાની જવાબદારી એનએચએસ ટ્રસ્ટની રહેશે.
એમ્બ્યુલન્સ કર્મચારીઓ દ્વારા 21 અને 28 ડિસેમ્બરના રોજ હડતાળનું એલાન કરાયું છે. એક એમ્બ્યુલન્સ સેવાએ અપીલ કરી છે કે અત્યંત ગંભીર બીમાર હોય તેવા દર્દી માટે જ 999 પર કોલ કરવો. તે ઉપરાંત એમ્બ્યુલન્સ ક્યારે આવશે તેની તપાસ કરવા 999 પર કોલ નહીં કરવાની અપીલ કરાઇ છે.
આગામી બે સપ્તાહ રેલવે સેવાના ધાંધિયા જારી રહેશે
રેલવેમાં હડતાળોના કારણે પ્રવાસીઓ ક્રિસમસની સિઝનમાં ભારે હાડમારીનો સામનો કરી રહ્યાં છે પરંતુ હડતાળ ન હોય તેવા દિવસોમાં પણ પ્રવાસીઓની મુશ્કેલીઓમાં ઘટાડો થવાની કોઇ સંભાવના નથી. હડતાળ સિવાયના દિવસોમાં પણ યુનિયનો દ્વારા ઓવરટાઇમ કરવા પર પ્રતિબંધ લદાયો હોવાથી વિવિધ રેલકંપનીઓએ આગામી બે સપ્તાહ સુધી ટ્રેન ફ્રિકવન્સીમાં મોટો ઘટાડો કર્યો છે જેની સામે પ્રવાસીઓમાં રોષની લાગણી પ્રવર્તી રહી છે. ઓવરટાઇમ પરના પ્રતિબંધના કારણે મોટી સંખ્યામાં છેલ્લી ઘડીએ ટ્રેન કેન્સલ કરવામાં આવી રહી છે. સોમવારે એક રેલ ઓપરેટર દ્વારા 70 ટકા ટ્રેન રદ કરી દેવાઇ હતી જ્યારે સાઉથ વેસ્ટર્ન રેલવેના 40 સ્ટેશન નવા વર્ષ સુધી બંધ કરી દેવાની જાહેરાત કરાઇ છે. સંડરલેન્ડ સહિતના અન્ય સ્ટેશનો આખુ સપ્તાહ બંધ રહેશે. તે ઉપરાંત 24 ડિસેમ્બર બપોરના 3 કલાકથી 27 ડિસેમ્બર સવારના 6 સુધી તમામ રેલવે સેવા ક્રિસમસ અને હડતાળના કારણે બંધ રહેશે.


