લંડનઃ એનએચએસમાં ગંભીર કટોકટી પ્રવર્તી રહી છે. નર્સોએ નેશનલ ઇમર્જન્સી જાહેર કરતાં ચેતવણી આપી છે કે દર્દીઓ હોસ્પિટલ કોરીડોરમાં જ મરી રહ્યાં છે. રોયલ કોલેજ ઓફ નર્સિંગે જણાવ્યું છે કે દર્દીઓને કોરિડોરમાં ખુરશી પર જ સારવાર આપવામાં આવી રહી છે. કેન્સર જેવી ગંભીર બિમારીઓનું નિદાન પણ હોસ્પિટલના જાહેર વિસ્તારોમાં થઇ રહ્યું છે.
નર્સોનો આરોપ છે કે દર્દીઓની પ્રાઇવસી અને સન્માન જળવાતું નથી. કોઇ શ્વાનને પણ આ પ્રકારે સારવાર અપાતી નથી. આરસીએનના એક્ટિંગ જનરલ સેક્રેટરી પ્રોફેસર નિકોલા રેન્જરે યુનિયનની એન્યુઅલ કોન્ફરન્સમાં નેશનલ ઇમર્જન્સીની ઘોષણા કરી છે. સંગઠન દ્વારા હોસ્પિટલના અયોગ્ય વિસ્તારોમાં અપાતી સારવાર અંગે પણ ભારે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. પ્રોફેસર રેન્જરે જણાવ્યું હતું કે, એક સમયે વિશ્વ કક્ષાની ગણાતી એનએચએસમાં કોરિડોર, સ્ટોર કપબોર્ડ અને કાર પાર્કિંગમાં દર્દીઓને સારવાર લેવાની ફરજ પડી રહી છે. વૃદ્ધોને સારવાર માટે રાહ જોતાં કલાકો સુધી બહાર ખુરશીઓમાં બેસી રહેવું પડે છે. દર્દીઓ કોરીડોરમાં જ મૃત્યુ પામી રહ્યાં છે. આ એક નેશનલ ઇમર્જન્સી છે.
પ્રોફેસર રેન્જરે જણાવ્યું હતું કે, પબ્લિક એરિયામાં કેન્સરનું નિદાન થાય તે સારવાર કહી શકાય નહીં. સરકાર અને આરોગ્ય અધિકારીઓએ આની જવાબદારી લેવી પડશે.

