લંડનઃ સરકારના એનએચએસ માટેની 10 વર્ષીય યોજનામાં ભારતીય મૂળના કર્મચારીઓ પર પડનારી અસરો અંગે પાર્લામેન્ટરી અંડર સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર પબ્લિક હેલ્થ એશલી ડાલ્ટને ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ સાથે વાતચીત કરી હતી. એનએચએસમાં બ્રિટિશ ભારતીય અને ભારતીય મૂળના કર્મચારીઓની થતી અવગણના પર તેમણે જણાવ્યું હતું કે, પ્રાઇમરી કેરમાં કર્મચારીઓ અત્યંત મહત્વના છે તેથી તેમના મંતવ્ય મહત્વના બની રહે છે. એનએચએસમાં પક્ષપાત, ધમકીઓ અથવા હેરાનગતિને કોઇ સ્થાન નથી. તેને સાંખી લેવાશે પણ નહીં. અમે ડાયવર્સિટીને કેન્દ્રમાં રાખીને ગ્રેજ્યુએટ મેનેજમેન્ટ ટ્રેઇની સ્કીમનું વિસ્તરણ પણ કરી રહ્યાં છીએ. એનએચએસમાં સીનિયર મેનેજમેન્ટ કામગીરીમાં વંશીય લઘુમતી સમુદાયોના પ્રતિનિધિત્વને સુનિશ્ચિત કરાશે.


