એનએચએસમાં મહિલા કર્મચારીઓની જાતીય સતાવણીએ માઝા મૂકી

એનએચએસમાં મી ટૂ આંદોલનનો પ્રારંભ, મોટી સંખ્યામાં મહિલા કર્મચારીઓની ફરિયાદો મળી

Wednesday 20th July 2022 06:09 EDT
 
 

લંડનઃ એનએચએસની હોસ્પિટલોમાં જાતીય સતાવણી માઝા મૂકી રહી છે જોકે હવે નર્સો અને ડોક્ટરો તેની સામે અવાજ પણ ઉઠાવી રહ્યાં છે. એનએચએસમાં હાલ તેના પોતાના મી ટૂ આંદોલનનો પ્રારંભ થયો છે. સર્વાઇવિંગ ઇન સ્ક્રબ્સ નામની આ ચળવળમાં મહિલા નર્સો અને ડોક્ટરો તેમની સાથે થયેલા દુર્વ્યવહારને ઉજાગર કરી રહી છે. કામના સ્થળે જાતીય સતાવણીનો સામનો કરનાર જીપી ડોક્ટર બેકી કોક્સ અને ઇમર્જન્સી મેડિસિન ટ્રેઇની ડો. ચેલ્સી જેવિટે આ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. પ્રોજેક્ટ શરૂ થયાના પહેલા થોડા સપ્તાહમાં જ આ આંદોલનને કામના સ્થળે પુરુષ ડોક્ટરો અને દર્દીઓ દ્વારા થતી જાતીય સતાવણીની મોટી સંખ્યામાં ફરિયાદો મળી છે.

એક મહિલા કર્મચારીએ જણાવ્યું છે કે એક કન્સલ્ટન્ટે મને તેના સહયોગીઓની સામે મિસી કહીને બોલાવી હતી. તેણે મારી જાંઘ પર હાથ ફેરવ્યો હતો અને પછી તેનો અંગૂઠો અંદર નાખવાનો પ્રયાસ કર્યો હતો. બીજી એક નર્સે ફરિયાદ કરી છે કે એક પુરુષ દર્દીએ મને વારંવાર બળાત્કારની ધમકી આપી હતી અને મારી સાથે અશ્લિલ વ્યવહાર કર્યો હતો તેમ છતાં મેનેજરે મને નોકરીમાંથી કાઢી મૂકી હતી. ઘણી મહિલા કર્મચારીઓએ હોસ્પિટલોમાં યોજાતી રિઅર ઓફ ધ યર સ્પર્ધાઓનો ઉલ્લેખ કર્યો હતો જેમાં પુરુષ કર્મચારીઓ મહિલા કર્મચારીઓના બોટમ્સને 10માંથી માર્ક્સ આપતા હોય છે.

ડો. કોક્સ અને ડો. જેવિટે પોતાના અનુભવોના આધારે હોસ્પિટલોમાંથી સેક્સિઝમને દૂર કરવા આ અભિયાન શરૂ કર્યું છે. તેમના દ્વારા શરૂ કરાયેલી વેબસાઇટ પર કોઇપણ મહિલા કર્મચારી પોતાનું નામ જાહેર કર્યા વિના પોતાના અનુભવો જાહેર કરી શકે છે. એક અનામી કર્મચારીએ જણાવ્યું હતું કે, પુરુષ ડોક્ટરોમાં સ્પર્ધા ચાલતી હોય છે કે કોણ પહેલું મહિલા કર્મચારી સાથે શારીરિક સંબંધો બાંધે છે.

એક ટ્રેની નર્સે પોતાનો અનુભવ જણાવતા કહ્યું કે એક પુરુષ ડોક્ટરે ચિંતા વ્યક્ત કરી હતી કે હું બહુ પીધેલી છું અને તે મને મારા ઘેર મૂકવા આવ્યો હતો અને મારી સ્થિતિનો લાભ લઇ મારા પર બળાત્કાર કર્યો હતો. બીજી એક નર્સે કહ્યું હતું કે, એક ડોક્ટર મારી સાથે ફોન પર અશ્લિલ વાતો કરતો અને ફોન પર હસ્તમૈથૂન કરતો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter