લંડનઃ હેલ્થ સેક્રેટરી વેસ સ્ટ્રીટિંગે જણાવ્યું છે કે હું એનએચએસમાં રેસિઝમ અને અસમાનતાઓ દૂર કરવા માટે પ્રતિબદ્ધ છું. એનએચએસ મેટરનિટી સર્વિસમાં દેશવ્યાપી તપાસનો પ્રારંભ કરતાં તેમણે જણાવ્યું હતું કે, હું જાણું છું કે જ્યારે પ્રસવવેદનામાં પેઇનકીલર માગતી એશિયન મહિલાઓને એનએચએસ સ્ટાફ દ્વારા દિવા તરીકે ઉલ્લેખ કરાય છે. જ્યારે અશ્વેત મહિલાઓ મજબૂત હોવાથી તેઓ પ્રસવ વેદના સહન કરી લેશે તેમ માની લેવામાં આવે છે.
હેલ્થ સેક્રેટરીએ જણાવ્યું હતું કે, એનએચએસના મેટરનિટી અને નિઓનેટલ એકમોમાં એશિયન અને અશ્વેત માતાઓ માટે વપરાતી ભાષાથી મને ઘણો આઘાત લાગ્યો છે. આપણે મેટરનિટી કેરમાં ફક્ત આરોગ્યની અસમાનતાઓ જ નહીં પરંતુ રેસિઝમ અને ભેદભાવ દૂર કરવા માટે પણ ઘણું કામ કરવાનું છે. આ પ્રકારની ભાષા ઉપયોગમાં લેવાતી હશે તે માન્યામાં આવતું નથી. મેં જે સાંભળ્યું છે તે આઘાતજનક છે. ઇંગ્લેન્ડમાં મેટરનિટી કેરના તમામ પાસાઓની નેશનલ ઇન્વેસ્ટિગેશનમાં ચકાસણી કરાશે.