એનએચએસમાં વિદેશી કર્મચારીઓની સંખ્યા ઘટાડવાની યોજનાનો ઉગ્ર વિરોધ

બ્રિટિશ મેડિકલ ગ્રેજ્યુએટ વિદેશોમાં સ્થળાંતર કરી રહ્યાં છે તેવી સ્થિતિમાં કર્મચારીઓની અછત સ્થાનિક ગ્રેજ્યુએટ પૂરી કરી શકશે નહીઃ રમેશ મહેતા

Tuesday 08th July 2025 10:37 EDT
 
 

લંડનઃ વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે એનએચએસમાં વિદેશી કર્મચારીઓની સંખ્યા વર્ષ 2035 સુધીમાં હાલના 34 ટકાથી ઘટાડીને 10 ટકાથી ઓછી કરવાની યોજનાની જાહેરાત કરી છે. એનએચએસમાં હાલ મોટી સંખ્યામાં ભારતીય ડોક્ટર અને નર્સ કામ કરી રહ્યાં છે. જૂન 2023 સુધીના આંકડા અનુસાર એનએચએસમાં કુલ 60,533 ભારતીય નાગરિકો કામ કરી રહ્યાં હતાં જેમાં 10,865 ડોક્ટર અને 31,992 નર્સ સામેલ હતાં.

સ્ટાર્મર સરકારની આ 10 વર્ષીય યોજનામાં જણાવવામાં આવ્યું છે કે એનએચએસમાં હંમેશા વિદેશી કર્મચારીઓને આવકારવામાં આવ્યાં છે પરંતુ આજે એનએચએસ વિદેશી કર્મચારીઓ પર ભારે દારોમદાર રાખી રહી છે. આપણે એનએચએસમાં વિદેશી કર્મચારીઓની સંખ્યા ઘટાડવાની જરૂર છે. હાલ એનએચએસમાં 34 ટકા કર્મચારી વિદેશી નાગરિક છે. અમે આ સંખ્યા 2035 સુધીમાં ઘટાડીને 10 ટકાથી ઓછી કરવા માગીએ છીએ.

યોજના અંતર્ગત યુકેના મેડિકલ ગ્રેજ્યુએટને ફાઉન્ડેશન ટ્રેનિંગમાં વિદેશી ગ્રેજ્યુએટ કરતાં પહેલી પ્રાથમિકતા અપાશે. એનએચએસમાં કામ કરતા બ્રિટિશ કર્મચારીઓને સ્પેશિયાલિટી ટ્રેનિંગમાં પણ પ્રાથમિકતા અપાશે.

ભારતીય મૂળના ડોક્ટર અને નર્સોનું પ્રતિનિધિત્વ કરતા બીએપીઆઇઓના પ્રમુખ રમેશ મહેતાએ આ યોજનાનો વિરોધ કર્યો છે. તેમણે જણાવ્યું છે કે ગયા વર્ષે 33 ટકા બ્રિટિશ મેડિકલ ગ્રેજ્યુએટ ન્યૂઝિલેન્ડ, કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં સ્થળાંતર કરી ગયાં છે. મેડિકલ સ્ટાફની જરૂરીયાતમાં સતત વધારો થઇ રહ્યો છે અને આ અછત સ્થાનિક ગ્રેજ્યુએટની મદદથી ભરપાઇ કરી શકાશે નહીં. આ યોજના તૈયાર કરનારા દીવાસ્વપ્ન જોઇ રહ્યાં છે. જ્યાં સુધી એનએચએસની સ્થિતિમાં સુધારો નહીં થાય ત્યાં સુધી બ્રિટિશ ગ્રેજ્યુએટનું સ્થળાંતર અટકાવી શકાશે નહીં.

મહેતાએ જણાવ્યું હતું કે, ગયા વર્ષે 10,000 ભારતીય ડોક્ટર સ્ક્રિનિંગ એક્ઝામ માટે યુકે આવ્યા હતા પરંતુ ઘણાની પાસે જોબ ન હોવાથી પાછા ચાલ્યા ગયા હતા. એનએચએસમાં જુનિયર લેવની જોબ નથી. ઘણા ડોક્ટરને ભારતમાં પોસ્ટ ગ્રેજ્યુએશન ટ્રેનિંગ ઉપલબ્ધ થતી નથી તેથી તેઓ યુકે આવતા હોય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter