લંડનઃ સરકારે એનએચએસની સેવાઓમાં સુધારો કરવા માટે વિદેશોમાં તાલીમ લીધેલા ડેન્ટિસ્ટ નિયુક્ત કરવાની તાકિદની યોજના જાહેર કરી છે. સરકારની આ યોજના અંતર્ગત વિદેશી ડેન્ટિસ્ટને તેમની શૈક્ષણિક લાયકાત અને સ્કીલ્સની ચકાસણી માટે લેવાતી પરીક્ષામાંથી મુક્તિ અપાશે. સરકારનું માનવું છે કે આ પ્રકારે ઝડપી પ્રોસેસ કરવાથી વિદેશી ડેન્ટિસ્ટને યુકેમાં કામ કરવા આકર્ષી શકાશે. વિદેશમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું હોય તેવા ડેન્ટિસ્ટ યુકેમાં કામ કરવા માટે ફાસ્ટ ટ્રેક રજિસ્ટ્રેશન પ્રક્રિયાનો ઉપયોગ કરી શકશે. દેશમાં પ્રવર્તી રહેલી ડેન્ટિસ્ટની આકરી અછતના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ગયા સપ્તાહમાં વડાપ્રધાન રિશી સુનાક દ્વારા એનએચએસ ડેન્ટિસ્ટ્રી રેસ્ક્યૂ પ્લાનની જાહેરાત કરાઇ હતી પરંતુ તેનાથી એનએચએસ પેમેન્ટ કોન્ટ્રાક્ટ અથવા તો ટર્મ ફંડિંગ કટમાં કોઇ સુધારો કરી શકી નથી. આ યોજનાની આકરી ટીકા થયા બાદ આ બીજી જાહેરાત કરાઇ છે.
જનરલ ડેન્ટલ કાઉન્સિલમાં પ્રેકટિસ કરવા માટે નોંધણી ધરાવતા ડેન્ટિસ્ટની સંખ્યા રેકોર્ડ સ્તરે હોવા છતાં એનએચએસમાં સેવા આપનારા ડેન્ટિસ્ટની સંખ્યા ઘટીને 2016-17ના સ્તરે આવી ગઇ છે. બ્રિટિશ ડેન્ટલ એસોસિએશન જણાવ્યું હતું કે, વિદેશી ડેન્ટિસ્ટ એનએચએસમાં લાંબાગાળા માટે કામ કરવા ઇચ્છતા હોવાના કોઇ પુરાવા નથી. કોન્ટ્રાક્ટમાં અડચણોના કારણે ડેન્ટિસ્ટ એનએચએસમાં પ્રેકટિસ કરવા ઇચ્છતા નથી. વિદેશી ડેન્ટિસ્ટ પણ આ પડી ભાંગેલી સિસ્ટમમાં કામ કરવા ઇચ્છશે નહીં.


