લંડનઃ વડાપ્રધાન રિશી સુનાકે એનએચએસ માટેના ચાવીરૂપ લક્ષ્યાંકોમાં માર્ચ મહિના સુધીમાં ઓપરેશન અને અન્ય પ્રોસિજર્સમાં 65 સપ્તાહના વેઇટિંગને નાબૂદ કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો પરંતુ એમ લાગી રહ્યું છે કે એનએચએસમાં હડતાળોના કારણે સુનાક તેમનો આ લક્ષ્યાંક પૂરો કરી શકશે નહીં તેવી ચેતવણી આરોગ્ય સત્તાવાળાઓએ આપી છે.
3 જાન્યુઆરીના બુધવારથી જુનિયર ડોક્ટરો 6 દિવસની હડતાળ પર જઇ રહ્યાં છે જે એનએચએસના ઇતિહાસની સૌથી લાંબી હડતાળ બની રહેશે. આ હડતાળના કારણે એનએચએસમાં 30 ટકા કરતાં વધુ ઓપરેશન રદ કરવા પડશે.
છેલ્લા એક વર્ષમાં નર્સો, કન્સલ્ટન્ટ્સ, જુનિયર ડોક્ટરોની હડતાળના કારણે એનએચએસમાં વેઇટિંગ લિસ્ટમાં ઘટાડો કરવાની કામગીરીને મોટો ફટકો પડ્યો છે. હાલ એનએચએસમાં વેઇટિંગ લિસ્ટ 7.7 મિલિયનને પાર કરી ગયું છે.
બ્રિટિશ મેડિકલ એસોસિએશને ચેતવણી આપી છે કે 2024માં જુનિયર ડોક્ટરોની આ હડતાળના કારણે વેઇટિંગ લિસ્ટ વધુ ગંભીર બની શકે છે. સરકારે જુનિયર ડોક્ટરોને યોગ્ય ઓફર આપવી જોઇએ.
એનએચએસમાં હડતાળોના કારણે 53,000ના અકાળે મોત
2023માં એનએચએસમાં વિવિધ સ્તરના કર્મચારીઓની હડતાળોના કારણે રેકોર્ડ સંખ્યામાં વધારાના મોત થયાં હતાં. સારવારના અભાવે 53000 જેટલાં દર્દીઓના અસામાન્ય મોત નોંધાયા હતાં. 2023માં ડોક્ટરો દ્વારા 38 દિવસ હડતાળ પડાઇ હતી. નવા વર્ષના પ્રારંભથી જ જુનિયર ડોક્ટરો દ્વારા એનએચએસના ઇતિહાસની સૌથી લાંબી હડતાળનો પ્રારંભ કરાયો હતો.


