લંડનઃ લિંગ પરિવર્તન કરવા ઇચ્છતા બાળકોને હવે એનએચએસમાં પ્યુબર્ટી બ્લોકર્સ પ્રિસ્ક્રાઇબ નહીં કરાય. એનએચએસ દ્વારા જારી કરાયેલી માર્ગદર્શિકા અનુસાર આ દવાઓ સુરક્ષિત હોવાના કોઇ પુરાવા નથી. આ દવાઓ ફક્ત ક્લિનિકલ ટ્રાયલના ભાગરૂપે જ અપાવી જોઇએ. પ્યુબર્ટી બ્લોકર્સ દવાઓ શારીરિક બદલાવ લાવવા માટે જવાબદાર સેક્સ હોર્મોન્સને દબાવી દે છે. એનએચએસની જેન્ડર આઇડેન્ટિટી ક્લિનિકમાં 2011થી 16 વર્ષથી નાના સેંકડો બાળકોને આ દવાઓ આપી ચૂકાઇ છે.
2022માં આ ક્લિનિકની સમીક્ષા કરનારા ડો. હિલેરી કાસે ચેતવણી આપી હતી કે પ્યુબર્ટી બ્લોકર્સ દવાઓ મગજનો વિકાસ અટકાવી શકે છે અને બાળકને સારવાર ન થઇ શકે તેવી સ્થિતિમાં ધકેલી શકે છે. કેમ્પેન ગ્રુપોએ જણાવ્યું હતું કે, આ પગલું સગીરો પર કરાતા મેડિકલ પ્રયોગોના યુગનો અંત લાવશે.
એનએચએસના આ પગલા બાદ હવે પ્રાઇવેટ ક્લિનિકોમાં પણ પ્યુબર્ટી બ્લોકર્સ પ્રિસ્ક્રાઇબ કરવાને ગેરકાયદેસર બનાવવાની માગણી બુલંદ બની રહી છે તેના કારણે સરકાર પર પણ દબાણ સર્જાયું છે. એવો પણ ભય સેવાઇ રહ્યો છે કે ઓનલાઇન સેવાઓ આપતા ડોક્ટરો દ્વારા એનએચએસે લાદેલા પ્રતિબંધનો ગેરલાભ લેવામાં આવી શકે છે.