લંડનઃ બીબીસી ન્યૂઝે દાવો કર્યો છે કે ઇંગ્લેન્ડમાં સત્તાવાર આંકડામાં છૂપા વેઇટિંગ લિસ્ટનો ઉલ્લેખ કરાતો નથી તેના કારણે એનએચએસમાં સારવાર માટે દર્દીઓએ વધુ રાહ જોવી પડે છે. સત્તાવાર આંકડા પ્રમાણે એનએચએસમાં સારવાર માટેના વેઇટિંગ લિસ્ટનો આંકડો 7.6 મિલિયન છે પરંતુ સાચો આંકડો ઘણો મોટો હોવાની સંભાવના છે કારણ કે જેમની સારવાર ચાલી રહી છે તેવા દર્દીઓનો વેઇટિંગ લિસ્ટના સત્તાવાર આંકડામાં ઉલ્લેખ કરાતો નથી પછી ભલે ને તેમને ચાલુ સારવારમાં પણ વિલંબનો સામનો કરવો પડે.
એનએચએસ ઇંગ્લેન્ડે જણાવ્યું છે કે હોસ્પિટલોએ મોનિટરિંગ કરીને આ પ્રકારના કેસની પણ ગણતરી કરવી જોઇએ. પરંતુ સમસ્યા ચાલુ સારવારમાં પણ થતા વિલંબની છે. તે ઉપરાંત ઘણા દર્દીઓને તો સારવાર શરૂ થાય તે પહેલાં જ વેઇટિંગ લિસ્ટમાંથી દૂર કરી દેવાય છે. એવા ઘણા દર્દીઓ છે જેઓ કેન્સર, સ્પાઇનલ ટ્રીટમેન્ટ જેવી મહત્વની સારવાર મેળવવા માટે પણ વર્ષોથી રાહ જોઇ રહ્યાં છે.
મેક્યુલર સોસાયટી ચેરિટી ચીફ એક્ઝિક્યુટિવ કેથી યેલ્ફ કહે છે કે સિસ્ટમાં થઇ રહેલો વિલંબ કરૂણ બાબત છે. આંખોની સારવારમાં થઇ રહેલા વિલંબને કારણે લોકોને દ્રષ્ટિ ગુમાવવાનો વારો આવે છે. એનએચએસના સત્તાવાર વેઇટિંગ લિસ્ટમાં ફક્ત સારવારની રાહ જોઇ રહેલા દર્દીઓનો સમાવેશ કરાય છે પરંતુ એકવાર સારવાર શરૂ થયા પછી પણ તેમાં થઇ રહેલા વિલંબનો આંકડો તેમાં સામેલ કરાતો નથી.

