લંડનઃ યુકેની નેશનલ હેલ્થ સર્વિસે છ વાર બંધ પડેલા હૃદયને ફરી ધબકતું કરતાં લંડનમાં અભ્યાસ કરતા ભારતીય મૂળના અમેરિકન વિદ્યાર્થીએ મેડિસિનમાં કારકિર્દી બનાવવાનો નિર્ણય કર્યો છે. ટેક્સાસમાં બેલોર યુનિવર્સિટીના વિદ્યાર્થી અને મૂળ સિએટલમાં વસવાટ કરતા અતુલ રાવના ફેફસામાં બ્લડ ક્લોટ થવાના કારણે તેના હૃદય સુધી લોહી પહોંચી શક્તું નહોતું. તેથી તેને લંડનની ઇમ્પિરિયલ કોલેજ હેલ્થકેર એનએચએસ ટ્રસ્ટની હેમરસ્મિથ હોસ્પિટલના હાર્ટ એટેક સેન્ટરમાં સારવાર અપાઇ હતી. તાજેતરમાં જ અતુલ તેના માતાપિતા સાથે આભાર વ્યક્ત કરવા હોસ્પિટલ પહોંચ્યો હતો. અતુલે જણાવ્યું હતું કે, હાર્ટ એટેક આવ્યા પહેલાં હું કારકિર્દી અંગે અનિશ્ચિત હતો પરંતુ એનએચએસની હોસ્પિટલમાં મને જીવનદાન મળ્યા બાદ હવે મારી જિંદગીની બીજી ઇનિંગમાં મેં અન્યો માટે જીવન જીવવાનો નિર્ણય કર્યો છે. રાવ લંડનની ઇમ્પિરિયલ કોલેજની પ્રિમેડ ડિગ્રીના ફાઇનલ યરમાં અભ્યાસ કરે છે.


