લંડન
વીજળીના વધતા જતા બિલો સામે પરિવારોને રક્ષણ આપતી એનર્જી પ્રાઇઝ ગેરેંટીની મુદત વધુ 3 મહિના એટલે કે જૂન 2023 સુધી લંબાવી દેવામાં આવી છે. તેથી હવે જૂન સુધી એનર્જી પ્રાઇઝ ગેરેંટી 2500 પાઉન્ડ રહેશે. જેના કારણે દરેક પરિવારને 160 પાઉન્ડની રાહત મળશે. ચાન્સેલર જેરેમી હન્ટે સ્પ્રિંગ બજેટમાં આ અંગેની જાહેરાત કરી હતી. સરકારી સહાયના કારણે ઓક્ટોબર 2022થી અત્યાર સુધીમાં સરેરાશ પરિવારને 1300 પાઉન્ડની રાહત મળી ચૂકી છે.
તે ઉપરાંત જેરેમી હન્ટે તેમના બજેટમાં જણાવ્યા અનુસાર પ્રિપેમેન્ટ મીટર ધરાવતા લાખો પરિવારોને ડાયરેક્ટ ડેબિટ કસ્ટમર કરતાં વીજળી બિલ પેટે વધારે નાણા ચૂકવવા પડશે નહીં. પ્રિપેમેન્ટ મીટરો મુખ્યત્વે ઓછી આવક ધરાવતા પરિવારો દ્વારા ઉપયોગમાં લેવાતાં હોય છે પરંતુ મીટરોની જાળવણીનો ખર્ચ તેમના પર નાખી દેવાતો હોવાથી તેમને અંતે વધુ નાણા ચૂકવવા પડે છે. જોકે જુલાઇથી હવે પ્રિપે કસ્ટમરને ડાયરેક્ટ ડેબિટ કસ્ટમર કરતાં વધુ નાણા ચૂકવવા પડશે નહીં. જેના કારણે 40 લાખ પરિવારને વર્ષે 45 પાઉન્ડનો લાભ થશે. આ બદલાવના કારણે સરકારી તિજોરી પર 200 મિલિયન પાઉન્ડનો બોજો પડશે. બળજબરીથી પ્રિપેમેન્ટ મીટરો લગાવવા પર મૂકાયેલા પ્રતિબંધને લંબાવવા અંગેની ઓફજેમની જાહેરાત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.


