લંડન
એનર્જી રેગ્યુલેટર ઓફજેમ દ્વારા એનર્જી પ્રાઇસ કેપમાં વધારાને મંજૂરી આપી દેવાતાં ગ્રેટ બ્રિટનમાં ઓક્ટોબર મહિનાથી પરિવારોના એનર્જી બિલોમાં તોતિંગ વધારો થશે. એક અંદાજ પ્રમાણે પ્રતિ ઘર ગેસ અને વીજળીના બિલ 3549 પાઉન્ડ પ્રતિ વર્ષ પહોંચવાની સંભાવના છે. દેશમાં ફુગાવાનો દર છેલ્લા 40 વર્ષની ટોચે પહોંચતાં કાળઝાળ મોંઘવારી ગ્રાહકોને દઝાડી રહી છે ત્યારે ઓફજેમે એનર્જી પ્રાઇસ કેપમાં 1578 પાઉન્ડના વધારાને મંજૂરી આપી છે. હાલ એનર્જી પ્રાઇસ કેપ 1971 પાઉન્ડ છે. આમ એનર્જી પ્રાઇસ કેપમાં 80 ટકાનો તોતિંગ વધારો થયો છે. નવી પ્રાઇઝ કેપ 31 ડિસેમ્બર 2022 સુધી અમલમાં રહેશે. ઓક્ટોબર 2021માં એનર્જી પ્રાઇસ કેપ વધારીને 1277 પાઉન્ડ કરાઇ હતી. ઓફજેમે જણાવ્યું છે કે નવી પ્રાઇસ કેપ જાન્યુઆરી 2023માં જાહેર કરાશે પરંતુ આંતરરાષ્ટ્રીય બજારોમાં ગેસની કિંમતોમાં તોફાની તેજીના કારણે અમે અત્યારે પ્રાઇસ કેપમાં કેટલો વધારો કરાશે તે અંગે કોઇ અંદાજ આપી શક્તાં નથી.
ઓક્ટોબરમાં લાગુ થનારી વધારેલી પ્રાઇસ કેપના કારણે દેશના 2 કરોડ 40 લાખ ઘરો એટલે કે 85 ટકા વસતીના વીજળી અને ગેસના બિલમાં વધારો થશે. 2 કરોડ 40 લાખ ઘરોમાં 45 લાખ ઘરોમાં પ્રીપેઇડ મીટરો છે જેમના બિલમાં સરેરાશ 59 પાઉન્ડ પ્રતિ વર્ષનો વધારો થશે. તેનો અર્થ એ કે તેમના વીજબિલ વાર્ષિક 3608 પાઉન્ડ પર પહોંચી જશે.
બ્રિટનમાં સરકારી રેગ્યુલેટર દ્વારા એનર્જીના બિલોની પ્રાઇસકેપ નક્કી કરવામાં આવે છે. એનર્જી કંપનીઓ આ પ્રાઇસ કેપ અંતર્ગત પ્રતિ યુનિટ વીજળીની કિંમત નક્કી કરી વસૂલાત કરે છે. જાન્યુઆરી 2019માં થેરેસા મે સરકાર દ્વારા આ વ્યવસ્થા શરૂ કરાઇ હતી. પહેલાં પ્રાઇસ કેપમાં વર્ષમાં બે વાર બદલાવ કરાતો હતો પરંતુ તાજેતરમા જ જાન્યુઆરી, એપ્રિલ, જુલાઇ અને ઓક્ટોબરમાં નવી પ્રાઇસ કેપ જાહેર કરવાનો નિર્ણય લેવાયો છે. ઓફજેમે જણાવ્યું હતું કે, સરકારે હાલમાં અપાતી આર્થિક સહાય 400 પાઉન્ડથી વધારીને 1000 પાઉન્ડ કરવી જોઇએ અથવા તો ઓક્ટોબરથી માર્ચ સુધી દર મહિને 67ને સ્થાને 167 પાઉન્ડની સહાય આપવી જોઇએ.
એપ્રિલ 2023માં પ્રાઇઝ કેપ 7263 પાઉન્ડ પર પહોંચવાની નિષ્ણાતોની ચેતવણી
આંતરરાષ્ટ્રીય બજારોમાં ગેસની કિંમતોના આધારે એનર્જી પ્રાઇઝ કેપનો અંદાજ રજૂ કરતા ઓક્ઝિલિયોનના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, જાન્યુઆરી 2023માં બાવન ટકાના વધારા સાથે પ્રાઇઝ કેપ 5405 પાઉન્ડ પર પહોંચી શકે છે. ત્યારબાદ એપ્રિલ 2023માં 34 ટકાના વધારા સાથે 7263 પાઉન્ડ થવાની સંભાવના છે. જુલાઇ 2023થી એનર્જી પ્રાઇઝ કેપમાં ઘટાડાનો પ્રારંભ થવાનો અંદાજ છે. આ મહિનામાં એનર્જી પ્રાઇઝ 11 ટકા ઘટીને 6485 પાઉન્ડ અને ઓક્ટોબર 2023માં 7 ટકાના ઘટાડા સાથે 6006 પાઉન્ડ થશે.
વડાપ્રધાન બનશે તો ટ્રસ એનર્જી બિલોમાં રાહત માટે ઇમર્જન્સી બજેટ લાવશે
વડાપ્રધાનપદના અગ્રીમ દાવેદાર લિઝ ટ્રસે જણાવ્યું છે કે જો હું વડાપ્રધાન બનીશ તો જનતાને એનર્જી બિલોમાં રાહત આપવા માટે થોડા જ દિવસોમાં ઇમર્જન્સી બજેટ રજૂ કરીશ. વડાપ્રધાનપદની રેસનું પરિણામ ન આવે ત્યાં સુધી આખી યોજના જાહેર કરવાનું યોગ્ય નથી પરંતુ વ્હાઇટ હોલમાં તૈયાર થઇ રહેલા એનાલિસિસથી હું માહિતગાર છું. હાલના ચાન્સેલર નદીમ ઝહાવીએ જણાવ્યું છે કે ટોરી લીડરશિપની પસંદગી થઇ ગયા બાદ લોકો પરનો બોજો હળવો કરવા માટેના પગલાંની જાહેરાત કરાશે.
શિયાળામાં લાખો પરિવાર એનર્જી બિલની ચૂકવણી કરી શકશે નહીં – એનર્જી કંપનીઓ
એનર્જી કંપનીઓએ ચેતવણી આપી છે કે સરકારની મદદ વિના આ શિયાળામાં લાખો પરિવાર એનર્જી બિલની ચૂકવણી કરી શકશે નહીં. સરકાર દ્વારા તાકિદે પગલાં નહીં લેવાય તો મોટી સંખ્યામાં વેપાર-ઉદ્યોગ બંધ થવાનો ભય પણ સેવાઇ રહ્યો છે. સખાવતી સંસ્થાઓએ ચેતવણી આપી છે કે આ શિયાળામાં 80 લાખ લોકો ઇંધણની ગરીબીમાં ધકેલાઇ જશે.
યુરોપનું નાક દબાવવા રશિયા રોજના 10 મિલિયન ડોલરનો ગેસ બાળી રહ્યો છે
યુક્રેન પર આક્રમણના કારણે યુરોપ અને પશ્ચિમના દેશો દ્વારા લદાયેલા આર્થિક પ્રતિબંધોના પગલે રશિયા ગેસને હથિયાર બનાવીને યુરોપના દેશોનું નાક દબાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. રશિયા યુરોપના દેશોને ગેસની નિકાસ કરવાને બદલે બાળી રહ્યો છે. જેના કારણે નેચરલ ગેસની કિંમતોમાં તોતિંગ વધારાથી યુરોપમાં એનર્જી બિલમાં મોટો ઉછાળો આવ્યો છે. ફિનલેન્ડની સરહદ નજીક આવેલા ગેસ પ્લાન્ટમાં રશિયા રોજના 4.34 મિલિયન ઘનમીટર એટલે કે 10 મિલિયન ડોલરનો નેચરલ ગેસ બાળી રહ્યો છે.
નાગરિકો વીજળીના ઉપયોગમાં ઘટાડો કરે – નદીમ ઝહાવી
અત્યાર સુધી વીજળીના વધી રહેલા બિલો સામે રાહત આપવાની વાતો કરી રહેલા ચાન્સેલર નદીમ ઝહાવીએ ગુલાંટ મારતાં જણાવ્યું છે કે નાગરિકો વીજળીના ઉપયોગમાં ઘટાડો કરે. આ પહેલાં જ્હોન્સન સરકારે જણાવ્યું હતું કે, લોકો ઇચ્છે એટલી વીજળી વાપરે, શિયાળામાં વીજકાપ મૂકાવાની કોઇ સંભાવના નથી. યુરોપના અન્ય દેશોની જેમ બ્રિટન રશિયાની ગેસ આયાત પર નિર્ભર નથી. હવે ઝહાવીએ જણાવ્યું છે કે આપણે આપણા વીજળી વપરાશ પર ધ્યાન આપવું જોઇએ. આ એક મુશ્કેલ સમય છે. આપણા ખંડમાં યુદ્ધ ચાલી રહ્યું છે.


