લંડનઃ આગામી દિવસોમાં પરિવારોએ એનર્જી બિલ પર 170 પાઉન્ડ પ્રતિ વર્ષનો ગ્રીન ટેક્સ ચૂકવવો પડશે. ગયા શિયાળામાં સરકાર દ્વારા બે વર્ષ માટે ગ્રીન ટેક્સ સ્થગિત રાખવાનો નિર્ણય લેવાયો હતો પરંતુ ફક્ત 9 મહિના બાદ જુલાઇના પ્રારંભથી જ ગ્રીન ટેક્સ વસૂલવામાં આવે તેવી સંભાવના છે. ગેસ, વીજળી અને ખાદ્યપદાર્થોની કિંમતોમાં ગયા વર્ષે વધારો થયા બાદ એનર્જી કંપનીઓ અને સાંસદો દ્વારા એક વર્ષ સુધી ચલાવવામાં આવેલા અભિયાનને પગલે આ ગ્રીન ટેક્સ ગ્રાહકો પાસેથી વસૂલાતો નહોતો પરંતુ તેના સ્થાને સરકાર દ્વારા આ બોજો વહન કરાતો હતો.
હવે એવા અહેવાલો પ્રાપ્ત થઇ રહ્યાં છે કે ફરી એકવાર ગ્રીન ટેક્સનો બોજો ગ્રાહકો પર નંખાશે. જોકે આ અંગે કોઇ વિધિવત જાહેરાત કરાઇ નથી. પૂર્વ એનર્જી સેક્રેટરી સર જેકબ રીસ મોગે જણાવ્યું હતું કે, યુકેમાં વીજળીના ઊંચા દર પાછળની સમસ્યામાં ગ્રીન ટેક્સનો પણ હિસ્સો છે. ગ્રીન ટેક્સને નાબૂદ કરી નાખવો જોઇએ પરંતુ તે કરાય તે પહેલાં તેને જનરલ ટેક્સેસનમાં સામેલ કરી દેવો જોઇએ. નેટ ઝીરોની મહત્વકાંક્ષા આપણને ઠંડા અને ગરીબ બનાવે નહીં તે જોવું રહ્યું.
જોકે ગ્રીન ટેક્સ ફરીથી લાગુ કરવાની હિલચાલનો ટોરી નેતાઓ દ્વારા જ ઉગ્ર વિરોધ થઇ રહ્યો છે. 3 ટોરી સાંસદોએ ચેતવણી આપી છે કે વ્યાજદરોમાં વધારો થઇ રહ્યો છે ત્યારે આ પ્રકારે કિંમતોમાં વધારો કરવો જોઇએ નહીં. સરકારે કાયમ માટે ગ્રીન ટેક્સ નાબૂદ કરી દેવો જોઇએ.


