લંડનઃ યુકેમાં પહેલી એપ્રિલથી એનર્જી-ગેસ બિલ્સમાં 700 પાઉન્ડનો વધારો થઈ ગયો છે અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુટિને ગેસ પુરવઠો બંધ કરી દેવાની ધમકી આપ્યાના પગલે ભાવ સાતમા આસમાને પહોંચી શકે છે. એનર્જી મર્યાદા વધીને 1971 પાઉન્ડ થાય તે પહેલા ગ્રાહકોએ પોતાના મીટર રીડિંગ્સ સબમીટ કરવાનો પ્રયાસ કરતા 31 માર્ચે બ્રિટિશ ગેસ, E.ON, સ્કોટિશ પાવર અને EDFની વેબસાઈટ્સ પડી ભાંગી હતી. નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે દેશના કેટલાક વિસ્તારોમાં બરફ પડ્યા પછી 5 મિલિયન બ્રિટિશરો રાતોરાત ફ્યૂલ ગરીબીમાં સપડાઈ જશે.
પહેલી એપ્રિલથી 22 મિલિયન લોકો માટે એનર્જી પ્રાઈસ કેપમાં 54 ટકાનો વધારો થયો છે જે રેકોર્ડ પર સૌથી વધુ છે. આ ઉપરાંત, બેન્ડ ડી કાઉન્સિલ ટેક્સ આશરે 70 પાઉન્ડના વધારા સાથે વાર્ષિક 1,966 પાઉન્ડ થઈ ગયો છે. બુધવાર, 6 એપ્રિલથી નેશનલ ઈન્સ્યુરન્સના ફાળામાં પણ 1.25 ટકાનો વધારો થનાર છે જેના પરિણામે, લાખો લોકોએ સેંકડો પાઉન્ડનો ટેક્સ સરકારને ચૂકવવા પડશે. લાખો લોકોની હાલાકી સરકારની લોકપ્રિયતાને મુશ્કેલીમાં મૂકી શકે છે.
થિન્ક ટેન્ક રેઝોલ્યુશન ફાઉન્ડેશન અનુસાર યુકેમાં પરિવારો ‘ફ્યૂલ સ્ટ્રેસ’ હેઠળ છે અને એનર્જી બિલ્સ વધતા તેમના બજેટમાં ઓછામાં ઓછો 10 ટકાનો વધારો થઈ જશે અને 5 મિલિયન બ્રિટિશરો માટે તે બમણો થઈ જશે. સિટિઝન એડવાઈસ સં‘સ્થા મુજબ ફૂડ બેન્ક્સ માટે રેફરલ્સમાં એક વર્ષમાં 44 ટકાનો વધારો થઈ ગયો છે. દરમિયાન, બ્રિટિશ ગેસ અને ઓક્ટોપસ દ્વારા બિલ્સની ચૂકવણીની ભારે તકલીફ અનુભવતા લોકોને મદદ કરવા ભંડોળ ઉભું કર્યું છે.


