એન્ટિસેમિટિઝમના આક્ષેપોમાં મુસ્લિમ વિદ્યાર્થિનીનો રાજકારણી સામે વિજય

બેરોનેસ ફોસ્ટરને જાહેર માફી માગવા અને વળતર આપવાની ફરજ પડી

Tuesday 12th March 2024 05:46 EDT
 
 

લંડનઃ બ્રિટિશરોમાં દાયકાઓથી લોકપ્રિય બીબીસી ટીવી ક્વિઝ યુનિવર્સિટી ચેલેન્જમાં ભાગ લેનારી મુસ્લિમ વિદ્યાર્થિની મેલિકા ગોર્જિઆનેહનો કન્ઝર્વેટિવ રાજકારણી બેરોનેસ જેક્વેલિન ફોસ્ટર સામે વિજય થયો છે. મેલિકાને નોંધપાત્ર વળતર ઉપરાંત, જાહેર માફી પણ મળી હતી. બેરોનેસ ફોસ્ટરે મેલિકા સામે એન્ટિસેમિટિઝમના જાહેર આક્ષેપો લગાવ્યા હતા.

ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ક્રાઈસ્ટ ચર્ચની ડોક્ટરલ એસ્ટ્રોફીઝિક્સ સ્ટુડન્ટ મેલિકા ગોર્જિઆનેહે 20 નવેમ્બરે પ્રસારિત કરાયેલા બીબીસી ટીવી ક્વિઝ શોમાં ભાગ લીધા પછી તેને મોતની ધમકીઓ મળવાં લાગી હતી. આ કાર્યક્રમનું ફિલ્માંકન ગત વર્ષે માર્ચ મહિનામાં કરાયું હતું. મેલિકાની ક્રાઈસ્ટ ચર્ચ ટીમનું મેસ્કોટ બ્લુ ઓક્ટોપસ હતું અને તેણે નેવી બ્લુ, ઓરેન્જ, પિન્ક અને ગ્રીન રંગનું મલ્ટિકલર જેકેટ પહેર્યું હતું. બેરોનેસ ફોસ્ટરે શો ના પ્રસારણ પછી એક્સ પર ટ્વીટમાં જણાવ્યું હતું કે ગોર્જિઆનેહે પેલેસ્ટીન ધ્વજનો રંગ પહેર્યો હતો અને તે મેસ્કોટ માટે જવાબદાર હતી. જોકે, આ કોઈ નિરીક્ષણો સાચાં ન હતા. ફોસ્ટરે ઓક્ટોપસને એન્ટિ-સેમેટિઝમ પ્રતીક ગણાવ્યું હતું અને ગોર્જિઆનેહની ધરપકડ કરવા અને યુનિવર્સિટીમાંથી હકાલપટ્ટી કરવાની હાકલ કરી હતી.

મીડિયા અને સોશિયલ મીડિયામાં આ સ્ટોરી વાઈરલ થયા પછી માનસિક આઘાત લાગતાં ગોર્જિઆનેહે હાઉસ ઓફ લોર્ડ્ઝના કમિશનરને બેરોનેસની વર્તણૂક બાબતે ફરિયાદ કરી હતી પરંતુ, તેને ફગાવી દેવાઈ હતી. આ પછી તેણે બદનક્ષી અને કનડગતનો કેસ દાખલ કરવા સૂચના આપી હતી જેના પગલે બેરોનેસ ફોસ્ટરને જાહેર માફી માગવા અને વળતર ચૂકવવાની ફરજ પડી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter