લંડનઃ પોતાના પુસ્તક એન્ડગેમ અંગે સર્જાયેલા વિવાદ પર લેખક ઓમીડ સ્કોબીએ એક બ્રિટિશ ટીવીને આપેલા ઇન્ટર્વ્યુમાં જણાવ્યું હતું કે, મેં ક્યારેય મારા પુસ્તકમાં રાજવી પરિવારના રેસિસ્ટ સભ્યોના નામનો ઉલ્લેખ કર્યો નથી. મારી સાથે અન્યાયી વર્તન થઇ રહ્યું છે. સ્કોબીએ પોતે મેઘન મર્કેલનું માઉથપીસ હોવાના આરોપ પણ નકારી કાઢ્યાં હતાં. પુસ્તકની ડચ એડિશનમાં રાજવી પરિવારના બે રેસિસ્ટ સભ્યોના નામ જાહેર કરવાના કૃત્યને સ્ટન્ટ માનવાનો પણ સ્કોબીએ ઇનકાર કર્યો હતો અને આ અંગે માફી માગવાનો પણ ઇનકાર કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે, મારા અને મારા પુસ્તકની નાહક ટીકા થઇ રહી છે.
પીયર્ મોર્ગન દ્વારા એક લાઇવ ટીવી શોમાં રાજવી પરિવારના કથિત બે સભ્યોના નામ જાહેર કરાયા બાદ રાજવી પરિવારમાં ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે. જોકે દુબઇમાં સીઓપી 28માં હાજરી આપવા પહોંચેલા કિંગ ચાર્લ્સ તૃતીયે આ વિવાદ પર કોઇ પ્રતિભાવ આપ્યો નહોતો. રાજવી પરિવાર કાયદાકીય પગલાં સહિતના તમામ વિકલ્પો પર વિચારણા કરી રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
પ્રિન્સ આર્ચી પર રંગભેદી ટિપ્પણી કરનાર કિંગ ચાર્લ્સ અને પ્રિન્સેસ ઓફ વેલ્સ?
પ્રિન્સ હેરી અને મેઘન મર્કેલના સંતાન પ્રિન્સ આર્ચી અંગે રંગભેદી ટિપ્પણીનો વિવાદ ચરમસીમા પર પહોંચ્યો છે. ઓમીડ સ્કોબીના પુસ્તક એન્ડગેમની ડચ આવૃત્તિમાં પ્રિન્સ આર્ચી માટે ટિપ્પણી કરનારા રાજવી પરિવારના ટોચના બે સભ્યોના નામ જાહેર થઇ જતાં હોબાળો મચી ગયો છે. ત્યારબાદ યુકેમાં ટોકટીવી શોમાં પિયર્સ મોર્ગન દ્વારા રાજવી પરિવારના બંને સભ્યોના નામ જાહેર કરાતાં હવે તો આ બંને નામ સમગ્ર વિશ્વમાં પ્રસરી ગયાં છે. પિયર્સ મોર્ગન દ્વારા કિંગ ચાર્લ્સ અને પ્રિન્સેસ ઓફ વેલ્સના નામ લેવાયાં હતાં. ત્યારબાદ તો સમગ્ર વિશ્વના મીડિયાએ આ નામો જાહેર કરી દીધાં હતાં. હવે રાજવી પરિવાર કાયદાકીય પગલાં લેવાની વિચારણા કરી રહ્યો છે. જોકે સિક્યુરિટી મિનિસ્ટર ટોમ તુગેન્ધાતે બંને રાજવીનો બચાવ કરતાં જણાવ્યું હતું કે, એક વ્યક્તિએ અફવા ફેલાવી છે. આ દાવાઓના કોઇ પુરાવા નથી.
નેધરલેન્ડમાં એન્ડગેમની ડચ આવૃતિનું વેચાણ અટકાવી દેવાયું
બ્રિટિશ રાજવી પરિવારમાં કથિત વંશીય ભેદભાવને ઉજાગર કરતા ડચ પ્રકાશકના પુસ્તકનું વેચાણ હંગામી ધોરણે અટકાવી દેવાયું છે. પુસ્તકમાં રાજવી પરિવારના વરિષ્ઠ સભ્ય દ્વારા પ્રિન્સ હેરી અને મેઘન મર્કેલના પુત્ર પ્રિન્સ આર્ચીના રંગ વિશે કરાયેલી કથિત ટિપ્પણી અંગે વર્ણન કરાયું છે. જોકે પ્રકાશક ઝાન્ડર યુઇટગિવર્સે એવું કારણ આપ્યું છે કે ભાષાંતરની કેટલીક ખામીના કારણે પુસ્તકને હાલ પુરતું વેચાણમાંથી પાછું ખેંચી લેવાયું છે.


